//

ભાજપ નેતાની પૌત્રીની સગાઈના વાઇરલ વીડિયો મામલે ફરિયાદ નોંધાઇ

તાપી જિલ્લાના ડોસવાડા ગામે પૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ ગત 30 નવેમ્બરના રોજ ડોસવાડા ખાતે યોજાઇ હતી. જેમાં સરકારની લગ્નપ્રસંગ માટેની કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા હતાં. આ વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે પૂર્વ ધારાસભ્યના પુત્ર જીતુ ગામીત સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢના ડોસવાડા ગામના પૂર્વ રાજ્ય કક્ષાના પ્રધાન કાંતિભાઈ ગામીતના પૌત્રીની સગાઈના વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર ગરબે ઘૂમી રહ્યા હતાં. તેમજ સોશીયલ ડિસ્ટન્સનો પણ મોટાપાયે ભંગ થઇ રહ્યો હતો. આ પ્રસંગમાં અનેક ગામોના સરપંચ સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતાં.

આ વીડિયોની સમગ્ર રાજ્યમાં ટીકા થવા લાગતા પોલીસ હરકતમાં આવી હતી અને કાંતિભાઈ ગામીત તેમજ તેમના પુત્ર જીતુ ગામીતને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. આ તકે પૂર્વ પ્રધાન કાંતિભાઈ ગામીતે પોતાની ભૂલનો અહેસાસ થતા માફી માગી હતી. ત્યારબાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ સમગ્ર ઘટનાને લઇને તપાસના આદેશ અપાયા હતાં.

Leave a Reply

Your email address will not be published.