///

માહિતી પંચમાં નિર્ધારિત સમય કરતા વિલંબથી સુનાવણી શરૂ થતી હોવાની ફરિયાદ

ગુજરાત માહિતી પંચની કોર્ટમાં નિર્ધારિત સમય કરતા મોડેથી સુનાવણી શરુ થતી હોવાની ફરિયાદ થઇ છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે આ અંગે 6 માહિતી કમિશનરો ઉપરાંત રાજયપાલ- CM, નાયબ મુખ્યપ્રધાનને પણ મેઇલ મોકલ્યો છે.

આ ફરિયાદમાં અરજદાર ચંદ્રવદન ધ્રુવે આક્ષેપ કર્યો છે કે, પંચની તમામ કોર્ટમાં સુનાવણીનો સમય સવારે 11 વાગ્યાને છે, પરંતુ બપોરે 12 વાગે સુનાવણી શરુ થાય છે. આ અરજી માહિતી આયોગના 6 રાજય માહિતી કમિશનરોને કરી છે. તેની નકલ ગુજરાતના રાજયપાલથી લઈને મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનને મોકલવામાં આવી છે.

આ ઉપરાંત અપીલની સુનાવણીમાં હાજર રહેવા આયોગ કચેરી તરફથી પાઠવવામાં આવેલા પત્રમાં સુનાવણીનો સમય 11 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ લગભગ તમામ કોર્ટ નંબર 1થી 6માં દરરોજ 12 વાગ્યા પછી શરૂ કરવામાં આવતું હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે. સાથે જ અપીલ કરનારા અરજદારો તથા સરકારી અધિકારીઓ 11 વાગ્યાથી ઓનલાઇન થઇ જાય છે. જયારે સુનાવણી બપોરે 12 વાગ્યા પછી શરૂ થાય છે.

જેને કારણે તમામ પક્ષકારોના કિંમતી સમયનો વ્યય પણ થાય છે. જેની ગંભીરતા આયોગમાં કાર્યરત તમામ કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી. જે ખૂબ જ દુખદ અને ફરિયાદને પાત્ર ગણાય. તેમણે કહયું છે કે, અમો સામાજિક કાર્યકર છીએ અને જાહેર હિતને ધ્યાનમાં લઇને ઉપરોક્ત રજૂઆત કરીએ છીએ. આ રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published.