////

કોરોનાનું ગ્રહણ: વેરાવળ બંદરના માછીમારોની હાલત થઈ કફોડી

હાલ માછીમારોની કફોડી પરિસ્થિતિ બની છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે. રાજ્યની 25 હજારથી પણ વધારે બોટ ધરાવતા બોટ માલિકો બેહાલ બની ગયા છે. જેમાં માછીમારી કરવા પૂરતા ખર્ચની જોગવાઈ ન હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે. સરકાર યોગ્ય સહાય આપે તેવી માછીમારોની માંગણી છે.

આ અંગે બોટ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે, રાજ્યભરના માછીમારોને અનેક સમસ્યાઓ છે. રાજ્યમાં 25 હજારથી પણ વધારે બોટ છે. જેમાં વેરાવળમાં જ 5 હજાર જેટલી બોટો છે. હાલના સમયમાં 30% બોટો માછીમારી માટે જઇ ન શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. સીઝન ચાલુ હોવા છતાં પણ માછીમારની આર્થિક પરિસ્થિતિ ના હોવાને કારણે દરેક બંદરો પર બોટો લાંગરી દેવામાં આવી છે.

ચાલુ વર્ષ દરમ્યાન કુદરતી આફતો તેમજ કોરોના મહામારીના કારણે માછીમારોની કમર તૂટી ગઇ છે. ત્યારે કરોડો રૂપિયા એક્સપોટર્સ પાસે અને સરકારમાં ફસાઇ જતા માછીમારો બેહાલ બની ગયા છે. કુદરતી આફતોની સાથે સરકારે પણ કમ્મર તોડ 21 ટકા વેટ ડીઝલ પર નાંખ્યો છે. જેથી માછીમારોને બેવડો માર પડી રહ્યો છે. તે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે અને એક્સાઇઝ ડ્યુટી આશરે રૂ.32 છે, તે દુર કરવામાં આવે તો ડીઝલ સસ્તુ થાય અને માછીમારો અને બોટ માલિકોને ખર્ચમાં થોડી રાહત થાય.

તો બીજી બાજુ કોરોના મહામારીને પગલે વિદેશમાં જતી માછલીઓની નિકાસ અટકી ગઈ છે. જેની અસર માછલીઓના ભાવ પર પડતા ગત વર્ષેની સરખામણીમાં 60 ટકાથી 70 ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 2019ના માર્ચ મહિનામાં કોરોના લોકડાઉનનાં હિસાબે માછીમારોની ફીશીંગ બોટોને દરીયામાંથી પરત બોલાવી લીધી હતી અને અઢી મહિના વહેલી બોટોને કિનારે બોલીવી દેતા પરિણામે આર્થિક નુકશાન ભોગવવુ પડ્યું છે. જ્યારે આ વર્ષે 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ હતી, ત્યારે બોટ માલિકોએ પોતાના પરિવારના દાગીના ગિરવે મૂકીને વ્યાજે રૂપિયા લઈને તેમજ કંપનીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટ લઇને બોટો દરિયાઇ ખેડવા રવાના કરી હતી. પણ ખર્ચના પૈસા ન નિકળતા બોટ બંધ કરી અને મોટાભાગની બોટો બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, વેરાવળ બંદર સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ આપતુ બંદર છે, જે 5 હજારથી વધુ બોટ ધરાવે છે. જ્યારે આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને માછીમારી ઉપર ગ્રહણ લાગ્યું હોય તેવી અસર હાલ વેરાવળ બંદર ઉપર જોવા મળે છે. જેમાં વેરાવળમાં હાલ 1,500 જેટલી બોટના 12,000 થી વધુ તેમજ રાજ્યના સાડાત્રણ લાખ લોકોની રોજગારીને પણ અસર પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published.