///

ભારત બંધ: સાણંદ-કંડલા હાઈવે પર કોંગ્રેસનો ટાયર સળગાવી વિરોધ

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ એલાન કરેલા ભારત બંધને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ અને સંગઠનોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે.

તો બીજી બાજુ અમદાવાદના સાણંદ-કંડલા હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હાઇવે પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાને કારણે થોડીવારમાં જ ટ્રાફિક સામાન્ય બન્યો હતો.

ત્યારે હાલ સાણંદ પોલીસે વિરોધ પ્રદર્શનમાં સામેલ 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજકોટમાં ભારત બંધની પૂર્વ સંધ્યાએ ટાયરો સળગાવવા બદલ કોંગ્રેસ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શહેરના પેડક રોડ પર ભારત બંધના સમર્થનમાં ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તુષાર નંદાણાની ધરપકડ કરવામાં આવી હતી.

કોંગ્રેસે ખેડૂત સંગઠનોએ આપેલા બંધને પોતાનું સમર્થન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને પોત-પોતાના મત વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ પોલીસ સાથે કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ના ઉતરવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને તાકીદ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.