////

IAS સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવા કોંગી ધારાસભ્યની માગ, અધ્યક્ષને લખ્યો પત્ર

વિપક્ષના નેતા ઇમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાના મહામારીના સમયમાં અધિકારીઓ ફોન ઉપાડતા નથી. તેમણે તેમના પત્રમાં IAS અધિકારી ડૉ. રાજીવ કુમાર ગુપ્તાનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં ગરીબો માટે રજૂઆત કરવા તેઓ અમદાવાદમાં કોરોના સામે મોરચો સંભાળનારા અધિક સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને ફોન કરતાં હોવા છતાં પણ તે ફોન ઉપાડતા નથી. જેના પગલે તેમણે ડૉ. રાજીવકુમાર ગુપ્તાના ટ્વીટર પર રજૂઆત કરી હતી તો તેઓએ તેમને બ્લોક કરી દીધા છે. હવે કોઈ અધિકારી વિધાનસભ્યનો ફોન ન ઉપાડે અને તેને બ્લોક કરે તેવું કઈ રીતે બને. પ્રજાના પ્રતિનિધિ તરીકે વિધાનસભ્ય હોવા છતાં અધિકારીઓ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરતાં હોય તો પછી સામાન્ય માનવી સામે કેવો વ્યવહાર કરતા હશે.

કોરોનાના સમયગાળામાં અધિકારીઓને મળેલી અમર્યાદિત સત્તાના પગલે તેઓ બેફામ બની ગયા છે. તેઓ પ્રજાની તો ઠીક પ્રજાના પ્રતિનિધિઓની વાત સાંભળવાની દરકાર કરતાં નથી. પ્રજાના પ્રતિનિધિ ફોન કરે તો તેને ફોન પર જવાબ આપવામાં આવતો નથી. આ પ્રકારની ઘટના બીજા કેટલાય ધારાસભ્યો સાથે બની હશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર હીણપતભરી સ્થિતિમાં ન મૂકાય એટલે તેઓ કશું બોલી શકતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી. એક એમ્બ્યુલન્સમાં એક કરતાં વધારે ડેડબોડી લઈ જવાય છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સ્મશાન અને સરકારના મોતના આંકડામાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં કોરોનાની જવાબદારી શહેરમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચવ અને સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કુમાર ગુપ્તાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.