ગુજરાતમાં સરકાર સામે સ્કૂલ-કોલેજો ખોલવાને લઇને વિરોધ શરૂ થયો છે. વાલીઓ, તબીબો સહિત લોકો હાલમાં સ્કૂલો ન ખોલવાની તરફેણમાં જોવા મળી રહ્યાં છે. હાલ દિવાળીના તહેવારમાં રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ફરી વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શાળો શરુ કરવાના મુદ્દે હવે વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પણ વિરોધ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં હાલ 23મીથી શાળાઓ શરુ કરવાને લઇને સરકારનું વલણ સ્પષ્ટ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું છે કે કોરોનાનો સેકન્ડ ફેઝ શરુ થઇ ગયો છે, ત્યારે શું શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓના જીવ વાલા નથી.
ઉલ્લેખનીય છે હાલ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાકાળના આ સમયમાં શાળાઓ શરુ કરવી તે યોગ્ય નિર્ણય છે.
કોંગ્રેસે કહ્યું મુખ્યપ્રધાનના વિસ્તારમાં જ 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. શું શિક્ષણપ્રધાન એજ્યુકેશન સર્ટિફિકેટ આપવા માગે છે કે ડેથ સર્ટિફિકેટ?, બાળકો સંક્રમિત થશે તો સરકારની જવાબદારી નહીં? સ્કૂલ સંચાલક અને સરકારની આ મિલીભગત છે. આ એક પ્રકારનો ફી લેવાનો કારસો છે. જો રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ શરુ કરવાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવો જોઈએ. 23 નવેમ્બરથી શાળાઓ શરુ ન કરવી જોઈએ. 2 સપ્તાહ બાદ શાળાઓ શરૂ કરવાનો સરકાર નિર્ણય કરે તો સારૂ રહેશે.