////

ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણાં

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરાયા છે.

કોંગ્રેસના કાર્યક્રમને તંત્રની મંજૂરી મળતા કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઇ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો સ્ટેજ ઉપર હાજર જોવા મળ્યા હતાં.

ગુજરાત કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલમાં કહ્યું હતું કે, ખેડૂતો ઘરનું ખાઇ કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. શા માટે સરકાર ટેકાના ભાવનો ખુલાસો કરતી નથી. સરકાર ગુમરાહ કરી રહી છે. આજે પણ ખેડૂત ઇચ્છે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકે છે. ખેડૂતો નવા વિધેયકની માગ નથી કરતા. સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ પાડવાની માગ કરી રહ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સરકાર કહે છે કે અન્ય રાજ્યોમાંથી ખેડૂતો અહીંયા અનાજ વેચવા આવશે તો એમને અમે બંધક બનાવીશું. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની નીતિ અને મનશા શું છે. આ કાયદો ખેડૂત વિરોધી છે અને તે માટે કોંગ્રેસ સમર્થન કરી રહી છે અને કરતી રહેશે. આ રાજકીય મુદ્દો નથી પણ ખેડૂતોનો મુદ્દો છે જે માટે અમે તેમની સાથે છીએ.

Leave a Reply

Your email address will not be published.