મોરબી-માળીયા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચુંટણીની હાજરીમાં સભા યોજવામાં આવી હતી. જેમાં સીએમએ કહ્યું હતું કે, ખેડૂતો ઉપર ગોળી ચલાવનાર કોંગ્રેસીઓ હવે ખેડૂતના નામે મગરનાં આસું સારી રહ્યા છે અને આઠે બેઠક ઉપર કોંગ્રેસને હરાવીને કોંગ્રેસને કબરમાં દાટી દેવાની છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા ઉમેદવારના સમર્થનમાં છેલ્લા દિવસોથી કેન્દ્રીય મંત્રીઓની સભા યોજવામાં આવી રહી છે. તે દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર જંગી સભા યોજવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સભાનું સંબોધન કરતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી ગરીબી હટાવવાની વાતો કરે છે પરંતુ આમ પ્રજાની નહીં કોંગ્રેસીઓની ગરીબી દૂર થઇ રહી છે જે સૌ લોકો જાણે છે.
અગાઉ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં એક રૂપિયો મોકલી તો પંદર પૈસા ગામડે પહોંચે છે તો વચ્ચે આ વચેટિયા કોણ હતા અને કોણ ભ્રષ્ટાચાર કરતું હતું અને રૂપિયા કોણ ખાઈ જતું હતું તે તમામ પ્રશ્નો છે, ત્યારે વર્તમાન ભાજપની સરકાર કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલે તો ગામડા સુધી પૂરેપૂરો એક રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા હાલમાં સમગ્ર દેશની અંદર ગોઠવેલ છે જેથી કરીને ભાજપની આ વ્યવસ્થા અને વિકાસ યાત્રા ચાલતી રહે તેના માટે આઠે આઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને વિજય બનાવો તેવી અપીલ સીએમ દ્વારા કરવામાં આવી હતી.