દિવાળીના તહેવાર નિમિત્તે જ મજૂર વર્ગના લોકોને પગાર મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યાં હોવાની ઘટના સામે આવી છે. જેમાં નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાડામાં અનાજના ગોડાઉનમાં કામ કરતા મજૂરોને પૈસા આપવાનો સમય આવ્યો, ત્યારે કોન્ટ્રાકટર ગલ્લા તલ્લા કરીને વાતને ટાળતો હોવાનો આક્ષેપ મજૂરોએ લગાવ્યો છે. ડેડીયાપાડાના સરકારી અનાજના ગોડાઉનમાં કામ કરતા મજૂરોએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને આ પ્રકારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન દરમિયાન સરકારી અનાજના ગોડાઉનમાં મજૂરો પાસે રોજે રોજની હજારોની સંખ્યામાં અનાજની બોરીઓ ઉતારાવવામાં આવી પરંતુ કોન્ટ્રાકટરે મજૂરોને પગાર આપવા માટે વાંધા વચકા કર્યા. મજૂરોએ ન્યાય માટે છેવટે સોશિયલ મીડિયાનો સહારો લઈ એક વિડીયો વાયરલ કર્યો છે. જેમાં મજૂરોએ જણાવ્યું છે કે, અમે દિવસ-રાત અનાજના ગોડાઉનમાં કામ કર્યું છે, તેમ છતાં અમને પગાર આપવામાં કોન્ટ્રાકટર ધક્કા ખવડાવી રહ્યાં છે. જ્યારે કોન્ટ્રાકટર પાસે પગારની વાત કરીએ તો અલગ-અલગ તારીખોનો વાયદો આપે છે, છેલ્લા 5 મહિનાથી અમારો પગાર આવ્યો જ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન સરકારે લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. હવે સરકારે તો જે તે જિલ્લામાં અનાજ મોકલી આપ્યું, એ અનાજનો સંગ્રહ ગોડાઉનમાં કરવામાં આવે છે. પરંતુ રાજપીપળા સરકારી અનાજના ગોડાઉનમાં CCTV કેમેરા લગાવ્યા નથી, CCTVના અભાવે અનાજના ગોડાઉનમાંથી અનાજની બોરીઓની ચોરી થતી હોવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી, આ બાબત ભ્રષ્ટાચારની ચાડી જરૂર ખાય છે.