///

મહેબૂબાના નિવેદન પર છેડાયો વિવાદ, ભાજપ કાર્યકરોએ PDP ઓફિસ બહાર ત્રિરંગો ફરકાવ્યો

જમ્મુ અને કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગાને લઈને એક નિવેદન આપ્યું હતું. ત્યારે તેમણે આપેલા આ નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. સોમવારે ભાજપના કાર્યકરોએ શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. કૂપાવડાના ભાજપ કાર્યકરો શ્રીનગરના મશહૂર લાલ ચોક પર પહોંચ્યા હતા અને તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો ભાજપના ચાર કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. જો કે પોલીસે ત્યારબાદ તેમને છોડી મૂક્યા.

તો બીજી બાજુ જમ્મુમાં પણ મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી. સાથે જ મુફ્તીના નિવેદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો. આ ઉપરાંત જમ્મુમાં પીડીપી ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ ત્રિરંગો ફરકાવ્યો. વંદે માતરમ અને ભારત માતાની જયના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. મુફ્તીએ નજરકેદમાંથી છૂટ્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થાય ત્યાં સુધી તેઓ ત્રિરંગો ઉઠાવશે નહીં કે ચૂંટણી પણ લડશે નહીં. આ પ્રેસ કોન્ફરન્સમાં મહેબૂબા મુફ્તીની સામે જમ્મુ અને કાશ્મીરનો જૂનો ઝંડો પડ્યો હતો.

આ ઉપરાંત ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય ધ્વજ પર કરાયેલી અપમાનજનક ટિપ્પણીને લઈને મહેબૂબા મુફ્તી વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કાર્યકરોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. કાશ્મીર ભાજપ આજે શ્રીનગરમાં ટાગોર હોલમાં ત્રિરંગા રેલી કાઢશે. ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નિવેદનના વિરોધમાં ત્રિરંગા યાત્રા કાઢી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.