////

દેશમાં દિલ્હી સહિત આ રાજ્યોમાં કોરોનાનું જોર વધ્યું

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનું સંકટ હજુ પણ યથાવત છે. એવામાં દેશમાં તહેવારોની સીઝનને લઈને સતર્કતા વધી છે. દેશમાં દિલ્હી સહિત એવા કેટલાક રાજ્યો છે જ્યાં કોરોનાનું જોર હજુ પણ યથાવત જ છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,230 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 82,29,313એ પહોંચી ગઈ છે. જેમાંથી 5,61,908 લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જ્યારે 75,44,798 લોકો રિકવર થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 496 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,22,607 પર પહોંચ્યો છે.

ICMRના જણાવ્યાં પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં 11,07,43,103 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ગઈકાલે એટલે કે 1 નવેમ્બરના રોજ 8,55,800 સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા હતા. દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ કેટલાક રાજ્યો વિશે કેન્દ્ર સરકારે મહત્વની બેઠક યોજી છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોની તાજા સ્થિતિ અને આવનારા દિવસો પર તૈયારી વિશે મનોમંથન કરવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના નેતૃત્વમાં થશે. જેમાં રાજ્યોને હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવશે.

દેશમાં તહેવારોની સીઝન છે જેને લઈને સતત કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સતર્કતા રાખવામાં ન આવી તો આ સંખ્યામાં વધારો થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસમાં દિલ્હીના બજારોની જે સ્થિતિ સામે આવી છે તે ડરામણી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ફરી રહ્યા છે. આ દરમિયાન નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.