////

અસારવા સિવિલની બેદરકારી, મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં રાખતા મોત

એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલમાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા 75 વર્ષીય મહિલા દર્દીને નવ દિવસ સુધી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં રાખતા તેનું મોત નિપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી વિશે જણાવ્યું હતું કે, અસારવા પાંચીદાસ મહોલ્લામાં રહેતા ઈન્દિરાબેન જયંતિભાઈ પટેલ 19 નવેમ્બરના રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તે દિવસે રાત્રે ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઓછું જણાતાં ફેમિલી ડોક્ટરની સલાહથી યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં.

જ્યાં ફરજ પરના ડોકટરે હાર્ટનો ECO ઇકો ટેસ્ટ કરીને સારવાર માટે 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં 20 નવેમ્બર 2020ના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં RT-PCR રિપોર્ટ કઢાવ્યો હતો. તે પણ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમને કોરોના પોઝિટિવ ICU વોર્ડમાં જ રાખ્યા હતાં.દર્દીના સગાઓએ અન્ય વોર્ડમાં ખસેડવા રજૂઆત કરી હતી પરંતુ ડોક્ટરોએ રજૂઆત માની નહતી. અંતે ICU વોર્ડમાં જ મહિવા દર્દીનું મોત નિપજ્યું હતું.

આ વચ્ચે હોસ્પિટલના સત્તાવાળાઓની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દર્દીનું સવારે 8 કલાકે મોત નિપજ્યું હતું પરંતુ તેમના પરિવારજનોને છેક 10:30 કલાકે જાણ કરાઇ હતી. એટલું જ નહીં પરંતુ કોરોના પોઝિટિવ દર્દી મૃત્યુ પામે તો હોસ્પિટલ તરફથી જ તેમની અંતિમવિધિ કરી દેવામાં આવે છે. પણ હોસ્પિટલ સત્તાવાળાઓને મોડે મોડે પોતાની ભૂલનો અહેસાસ થયો હોવાથી ઈન્દિરાબેનનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાની તૈયારી બતાવી હતી.

ઈન્દિરાબેન સતત કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે રહ્યા હોવાથી પરિવારજનોએ સાવચેતીના પગલારૂપે ઈન્દિરાબેનનો મૃતદેહ લઈને સીધા દુધેશ્વર સ્મશાનગૃહમાં લઈ જઈને તેમની અંતિમવિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.