///

અમદાવાદમાં સુપર સ્પ્રેડર માટે ઠેર-ઠેર કોરોના ટેસ્ટ કરાયા

અમદાવાદમાં કોરાના વાઈરસની ગાઈડલાઈનના કડક અમલ માટે AMC દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર કોરોનાના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ ભીડભાડ વાળી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન એકઠી થનારી ભીડને ધ્યાનમાં રાખીને લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શુક્રવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાંણે મિઠાઈ સહિત અન્ય વેપારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AMCના સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા રામોલ-હાથીજણ વિસ્તારમાં 78 સુપર સ્પ્રેડર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજ પ્રકારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં આવેલા દરિયાપુરમાં ઘીકાંટા વિસ્તારમાં મેટ્રોપૉલિટન કોર્ટના રસ્તાની આસપાસ ગેરકાયદેસર દબાણ કરીને વેપાર કરનારા વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, આ જગ્યા પર કોરોના સંક્રમણ હોવા છતાં લોકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. આમ અહીં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

આ ઉપરાંત હાટકેશ્વર શાક માર્કેટમાં પણ ભીડભાડવાળા વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીં માસ્ક પહેર્યા વિના લારી પર છૂટક વેપાર કરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે શહેરના પૂર્વ ઝોન સ્થિત ભાઈપુરા વૉર્ડમાં CTM ચાર રસ્તા નજીક મંજૂરી વિના કરવામાં આવેલ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.