////

આ કચેરીમાં જતા હોય તો ચેતજો, 10થી વધુ કર્મચારીઓને છે કોરોના

શહેરમાં દરરોજ નોંધાતા કોરોના વાઇરસના કેસમાં ભલે ઘટાડો નોંધાતો હોય, પરંતુ અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીમાં કોરોના ફેલાયો છે. AMCની મુખ્ય કચેરીમાં કામ કરી રહેલા કર્મચારીઓ છેલ્લા થોડા ઘણા દિવસોથી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જેને પગલે મ્યુન્સિપલ કમિશનર મુકેશકુમાર હરકતમાં આવ્યાં છે.

કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં મ્યુન્સિપલ કમિશનર એક વિશેષ પરિપત્ર બહાર પાડીને તમામ ખાતાના અધિકારીઓને તાકીદ કરી છે કે, જ્યાં સુધી મુખ્ય કચેરીમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં ન આવે, ત્યાં સુધી માત્ર 50 ટકા સ્ટાફને જ રોટેશનમાં બોલાવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા માટે જરૂર ન હોય, તેવા કિસ્સામાં ઈ-મેઈલ અથવા મોબાઈલથી કામગીરી કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય કચેરીમાં વિવિધ ખાતાઓ અને ઝોનની ઓફિસો આવેલી છે. અહીં છેલ્લા 3 દિવસ દરમિયાન પ્લાનિંગ, ઓડિટ વિભાગ, સેન્ટ્રલ ઓફિસ સહિતના અન્ય ડિપાર્ટમેન્ટના મળી 10થી વધુ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના પગલે છઠ્ઠા માળે આવેલા કચેરીઓમાં ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.