રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો નોંધાયો છે. તો કોરોનાના કારણે હજારો લગ્નપ્રસંગો પણ અટવાઇ પડ્યા છે. ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરરાજાને જ કોરોના થતા લગ્ન પ્રસંગ અટવાયો છે. લગ્નની તૈયારીઓ વચ્ચે હાઇકોર્ટમાં ફરજ બજાવતા વરરાજા અને તેમની માતા કોરોનામાં સપડાયા છે.
અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારમાં યુવકના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ત્યારે વરરાજાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેની માતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. વેજલપુર ડી માર્ટ પાસે આવેલી સોસાયટીમાં રહેતા યુવકના લગ્ન હતા. હાઇકોર્ટમાં ફરજ બજાવતા આ યુવક સહિત તેની ઓફિસમાં 24 નવેમ્બરે કામ કરતા તમામ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
આ યુવકના લગ્ન 9 ડિસેમ્બરે હતા. આ પહેલા તેની ઓફિસના કર્મચારીઓ સાથે તેનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લગ્ન હોવાથી તમામ તૈયારીઓ થઇ ગઇ હતી અને કાર્ડ પણ છપાઇ ગયા હતા. ત્યારે આ વચ્ચે ખુદ વરરાજો કોરોના પોઝિટિવ આવતા પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. વરરાજાને કોરોના પોઝિટિવ આવતા તેના પરિવારનો કોરોના ટેસ્ટ કરાતા યુવકની માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.