///

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, દિવાળીની એક જ રાત્રીમાં…

રાજ્યમાં લોકો તહેવારોની હર્ષો ઉલ્લાસથી ઊજવણી કરી રહ્યા છે. તે દરમિયાન અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં અંદાજે 60 ટકા જેટલો કેસમાં ઊછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની સિવિલ હૉસ્પિટલમાં કાળી ચૌદશ અને દિવાળીની બંને રાત્રે કોરોનાના નવા દર્દીની સંખ્યામાં વધારો થયો છે.

દિવાળીની એક જ રાત્રીમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 91 કોરોનાના કેસ નોંધાયા હતાં. અડધી રાત્રે સિવિલમાં વધુ એક નવો વૉર્ડ શરૂ કરવો પડ્યો હતો. જ્યારે કાળી ચૌદશની રાતે બે નવા વોર્ડ ખોલવા પડ્યા હતાં. સિવિલ હૉસ્પિટલનો આઇ.સી.યુ જે છેલ્લા ઘણા દિવસોથી ખાલી જણાતો હતો તે ફૂલ થઈ શકે છે.

છેલ્લા એક અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ, એસવીપી તેમજ સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈ રહી છે. અમદાવાદ હોસ્પિટલ્સ એસોસિયેશનના જણાવ્યાં અનુસાર, શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 80 ટકાની આસપાસ પહોંચી છે. જેઓને હાલમાં સારવાર હેઠળ રખાયા છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં નવા દર્દીઓની સંખ્યામાં 40 ટકાની આસપાસ વધારો નોંધાયો છે

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 પર પહોંચ્યો છે. જ્યારે 39,861 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુ 1,934 થયા છે. 13 નવેમ્બરની સાંજથી 14 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 198 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.