/////

અમદાવાદીઓ સમજી જજો, હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ફ્રી માં નહી મળે

કોરોનાની ગુજરાતમાં એન્ટ્રીને એક વર્ષ પૂરુ થયું છે. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટીંગથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ ફ્રી મા આપી હતી. જેમાં અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં પણ વિના મૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. પરંતુ એક વર્ષ બાદ આજે તે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોરોનાના કેસ તો વધ્યા છે, પરંતુ હવેથી અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દીને વિનામૂલ્યે સારવાર નહિ મળે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના દર્દીઓને રૂપિયા ખર્ચવા પડશે.

અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારવામાં આવશે. અગાઉ 50 ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર AMC તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલના 100 ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જોકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.