////

ભારતને ફેબ્રુઆરી સુધીમાં મળી શકે છે કોરોના વેક્સીનનો પહેલો જથ્થો

વિશ્વ સહિત દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford-AstraZeneca)ની કોરોના વેક્સીનને ઇમરજન્સી મંજૂરી મળી શકે છે. જેનો પહેલો જથ્થો જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી દેશમાં ઉપલબ્ધ થઈ શકે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરી રહી છે. હાલમાં આ વેક્સીનનું ભારત સહિત દુનિયાના લગભગ 30 દેશોમાં ત્રીજા અને ચોથા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ તકે નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલના જણાવ્યાં અનુસાર એસ્ટ્રાજેનેકાને જો બ્રિટનમાં વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળે છે તો ભારતમાં પણ તેના પર વિચાર કરવામાં આવશે. તેઓએ કહ્યું કે જો આવું થાય છે તો ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીન ઉપલબ્ધ હશે. ભારતમાં આ સંભવિત વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ પૂરું થતાં પહેલા મંજૂરી મળે છે તો સૌથી પહેલા તેને હેલ્થ વર્કર્સ જેમ કે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને આ વેક્સીન આપવામાં આવશે.

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેનું ટ્રાયલ કરી રહી છે. આશા રાખવામાં આવે છે કે ત્રીજા ચરણનું ટ્રાયલ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં પૂરું થઈ જશે. નોંધનીય છે કે, કોઈ સંસ્થા ટ્રાયલની વચ્ચે પ્રારંભિક પરિણામોના આધારે કોઈ વેક્સીનના ઉપયોગની મંજૂરી આપે છે તો તેને ઇમરજન્સી એપ્રુવલ કહેવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે આ વેક્સીન ફેબ્રુઆરી સુધી બજારમાં આવી જશે. એક કાર્યક્રમમાં પૂનાવાલાએ કહ્યું હતું કે 2021ના પહેલા ક્વાર્ટરમાં વેક્સીનના લગભગ 30થી 40 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે. વધુમાં કહ્યું હતું કે સ્વાસ્થ્ય કર્મીઓ અને વૃદ્ધો માટે ઓક્સફર્ડ કોવિડ-19ની વેક્સીન ગામી વર્ષ ફેબ્રુઆરી સુધી અને સામાન્ય લોકો માટે એપ્રિલ સુધી ઉપલબ્ધ થવી જોઈએ. પૂનાવાલાએ એવું પણ કહ્યું કે 2024 સુધી દરેક ભારતીયને વેક્સીન આપવામાં આવી ચૂકી હશે.

Leave a Reply

Your email address will not be published.