////

રાજ્યમાં કોરોના રસી ચાર તબક્કામાં અપાશે: CM રૂપાણી

વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની રસી વહેલા આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની રસી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં આવનારી રસી ચાર જુદા-જુદા તબકક્કામાં આપવામાં આવશે. પહેલા તબક્કામાં કોરોનાની રસી ડોક્ટર અને મેડિકલ સ્ટાફને આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ અને સફાઈ કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં 50થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. તો ચોથા તબક્કામાં 50થી ઓછી વયના લોકોને રસી આપવામાં આવશે.

જોકે આ પહેલાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 55 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી 82 ટકા એટલે કે 45 હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે. તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે. એટલું જ નહિ, સંક્રમિત દરદીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય. મુખ્યપ્રધાને ગુજરાતે 104 ફીવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયો કોન્ફરન્સમાં આપી હતી.

મુખ્યપ્રધાને રાજ્યમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવાની સાથોસાથ કોવિડથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી રથની સંખ્યા પણ 1,100થી વધારીને 1,700 કરી છે તેની વિગતો વડાપ્રધાન સમક્ષ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.