////

રાજ્યના તમામ સરકારી કર્મીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે : CM રૂપાણી

રાજ્યમાં કોરોનાનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે, એવામાં અમદાવાદ સહિત સુરત શહેરમાં કરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. વિધાનસભા અને સીએમ કાર્યાલયમાં અધિકારીઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટીવ આવ્યાં છે. ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, વિધાનસભાનું સત્ર ટૂંકાવાશે નહીં, 8 જેટલા વિધેયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.

આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી. ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે અને ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. 1 એપ્રિલે જ પૂર્ણ થશે. વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે. વિધાનસભા સત્ર તા.1 એપ્રિલ-2021 સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ તેમણે દોહરાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું વેક્સિનેશન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.