////

અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 2,669 લોકોના મોત

અમેરિકામાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 2,669 લોકોના મોત નિપજ્યાં છે. આ પહેલા સૌથી વધુ 2,744ના મોત 21 એપ્રિલના રોજ થયા હતાં. ત્રીજી નવેમ્બર બાદ અમેરિકામાં દરરોજ એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. 20 નવેમ્બરના રોજ અમેરિકામાં રેકોર્ડ બ્રેક 2.04 લાખ કેસ સામે આવ્યા હતાં.

કોરોનાથી પ્રભાવિત દેશમાં ભારત બીજા નંબર પર આવે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજાર કેસ સામે આવ્યા અને 526ના મોત નિપજ્યાં છે. આ સિવાય બ્રાઝિલ ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 48 હજાર નવા કેસ સામે આવ્યા અને 669 લોકોના મોત નિપજ્યા છે.

વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, ભારત અને બ્રાઝિલ છે. વિશ્વના 47 ટકા કોરોના કેસ આ ત્રણ દેશોમાં જ છે અને 41 ટકા મોત પણ અહીં જ થયા છે. આ ત્રણ દેશોમાં કોરોનાથી મોતનો આંકડો છ લાખએ પહોંચી જાય છે. આ સાથે વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા છ કરોડ 48 લાખ પર પહોંચી ગઈ છે અને લગભગ 15 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા આજે ગુરૂવારે સવારે એક કરોડ 43 લાખ પર પહોંચી હતી. કોરોનાથી મોતનો આંકડો 2,79,000 પર પહોંચી ચૂક્યો છે. આમ, અમેરિકામાં મોતનો આંકડો આ મહિને ત્રણ લાખને વટાવી જાય તેવુ લાગી રહ્યું છે. આ વચ્ચે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 95 લાખ પર પહોંચી છે. જેમાથી 1 લાખ 38 હજારના મોત નિપજ્યાં છે. આ સાથે બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64 લાખ છે. અહીં 1 લાખ 74,000થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

અમેરિકામાં હાલમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 55 લાખ 81 હજાર પર પહોંચી છે. એટલે કે આટલા લોકો હજુ પણ વાઇરસથી સંક્રમિત છે. ભારતનો રિકવરી રેટ 94 ટકા છે. એટલે કે કુલ 95 લાખ સંક્રમિતોમાંથી 90 લાખથી વધુ લોકો સ્વસ્થ થઇ ઘરે પરત થઇ ચૂક્યા છે. ભારતમાં 4 લાખ 25 હજારથી ઓછા કેસ એક્ટિવ છે. તેની સાથે વિશ્વમાં કોરોનાથી પ્રભાવિત ત્રીજા દેશ બ્રાઝિલમાં સક્રિય કેસ સાડા પાંચ લાખથી પણ વધી ગયા છે અને 57 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.