//

અહીં તો કોરોનાના ચાર મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક જ એમ્બ્યૂલન્સમાં ચારથી પાંચ મૃતદેહો લઈ જવાની ઘટના સામે આવી છે. સરકારી આંકડાથી વિપરિત એવો આ ફોટો ગાંધીનગરમાં જોવા મળ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેંટાબકરા હોય તે રીતે તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં છે.

ગાંધીનગરના સેક્ટર-3ના અંતિમ ધામના આ દ્રશ્યો છે. એક સાથે ચાર મૃતદેહો લઈ જવામાં આવે તે ગંભીર બાબત છે. પરિવારોને મૃતદેહ સોંપાતો નથી અને બીજી તરફ આવી રીતે તેમના મૃતદેહોને લઈ જવાય છે. જે લોકોની લાગણી સાથે ચેડા છે. આ ઘટનામાં નાયબ મુખ્યપ્રધાને તપાસના આદેશ પણ સોંપ્યા છે.

ગાંધીનગરના સ્મશાનગૃહમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર-પાંચ મૃતદેહ લઈ જવાના મામલે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે ગંભીર ગણાવીને આવી ઘટના પ્રથમવાર જ બની હોવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગીને પગલાં ભરવામાં આવશે.

તો બીજી તરફ, ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મેયરનો દાવો ખોટો હોવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે, એક જ શબવાહિનીમાં તો એક કરતાં વધુ મૃતદેહો લાંબા સમયથી લઈ જવામાં આવે છે. વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, પોતાના જ પરિવારના એક સભ્યના મૃત્યુ વખતે પણ ત્રણ ત્રણ મૃત્યુદેહ લઈ જવામાં આવ્યા હતાં. આવી ઘટના અનેક સમયથી બની રહી હોવાની તારીખ અને ટાઈમ સાથે વિરોધ પક્ષના નેતાએ દાવો કરી મહાનગરપાલિકામાં મોતનો મલાજો પણ જળવાતો ન હોવાનું કહ્યું.

બીજી તરફ અધિકારીઓ દ્વારા એમ્બ્યૂલન્સ ઉપલબ્ધ નહતી, તેથી આ રીતે મૃતદેહો લઈ જવામા આવ્યા હતાં તેવી વાત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.