///

કંગના રનૌતની ઓફિસમાં BMCએ કરેલી કાર્યવાહી પર કોર્ટનો ચુકાદો, વળતર ચુકવવા આદેશ

BMC એ કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલા પર કાર્યવાહી હાથ ધરતા તોડફોડ કરી હતી. જેના વિરૂદ્ધ એક્ટ્રેસે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજી પર આજે શુક્રવારે નિર્ણય આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ એસ જે કૈથાવાલા તથા આર આઈ છાગલાની બેંચે આ કેસનો ચુકાદો આપતા કહ્યું હતું કે, ‘જે રીતે અભિનેત્રીની મિલ્કત પર તોડફોડ કરવામાં આવી તે ગેરકાયદેસર હતી. કોર્ટે ગેરકાયદેસર બાંધકામની BMCની નોટિસને પણ રદ્દ કરી દીધી છે.

9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના અનેક ભાગોને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતાં. ત્યારબાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.

મહત્વનું છે કે હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝૂમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કિંમતી સંપત્તિ સામેલ હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કેસને જોતા એવું લાગી રહ્યું છે કે તોડફોડની કાર્યવાહી એક્ટ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટ તથા નિવેદનોને કારણે તેને ટાર્ગેટ બનાવવાના ઈરાદાથી કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે નુકસાનના મૂલ્યાંકન માટે અધિકારીની નિયુક્તિ કરી છે. જે અધિકારી કોર્ટમાં રિપોર્ટ રજુ કરશે ત્યારબાદ અભિનેત્રીને વળતરનો ઓર્ડર આપશે. આ ઉપરાંત કોર્ટે સોશિયલ મીડિયા પર અભિનેત્રીને સંયમ રાખવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.