///

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કથિત વીડિયો મામલે કર્યો આ ખુલાસો

કોંગ્રેસે ગઇકાલે જાહેર કરેલા કથિત વીડિયો મામલે હાલમાં રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસને જવાબ આપ્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સુરત ખાતે જણાવ્યું હતુ કે બે દિવસમાં રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે. ત્યારે આઠે-આઠ બેઠક પર હાર ભાળી ચુકેલી કોંગ્રેસ અને તેના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા કથિત વિડીયો ક્લીપ રજૂ કરી તેને મારા નામ સાથે ખોટી રીતે જોડી ભાજપને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કથિત વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનારા સોમા પટેલ હોવાનું કોંગ્રેસ કહી રહી છે, પરંતુ તેમાં કોઈ તથ્ય જણાતું નથી. તેમાં મારુ નામ પણ કોંગ્રેસ જોડી રહી છે પણ જ્યારે સોમા પટેલે 15 માર્ચે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારે હું પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાં પણ નહતો, મને 20 જુલાઈએ આ જવાબદારી મળી છે. સોમા પટેલ કોંગ્રેસમાંથી સાંસદ હતા તે રીતે જ માત્ર તેમનો પરિચય છે.

પ્રમુખ પાટીલે વધુમાં જણાવતા કહ્યું કે, કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે કે છે કે ભાજપ આઠે આઠ બેઠક જીતશે. કોંગ્રેસને સામે હાર દેખાવા લાગી છે એટલે ભ્રમ અને જુઠ્ઠાણાં ફેલાવી રહી છે. ખોટી બાબત રજૂ કરીને કોંગ્રેસ ચુંટણી પહેલા જનતામાં ભ્રમ ફેલાવી રાજકીય લાભ મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસે અને અમિત ચાવડાએ રાજ્યની જનતાની માફી માગવી જોઈએ. ચૂંટણીના સમયે આ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવવા એ કોંગ્રેસની આદત રહી છે. આજનો કથિત વિડીયો કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો ત્યારે અમિત ચાવડાની બાજુમાં કોંગ્રેસના જુઠવાડીયા એટલે કે ગુજરાતના દિગ્ગી રાજા પણ બેઠેલા જોઈ શકાય છે, તેમની પણ જુઠ્ઠાણા ફેલાવવાની જૂની આદતથી જનતા વાકેફ છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની હરકત કોંગ્રેસે કરી છે અને જનતાએ ચૂંટણીમાં તેનો જવાબ આપ્યો છે.

પ્રમુખ પાટીલે આગળ કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના નિમ્નસ્તરના રાજકીય કાવાદાવા અને ષડ્યંત્રો કરવાના સ્થાને રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે જઈને કામ કરો, લોકોના પ્રશ્નો સમજો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો અને પોતે રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કેમ સત્તામાં નથી તે બાબતે આત્મમંથન કરો. તમારા આવા કાળા કામોને લીધે હજુ આગામી 25 વર્ષ સુધી પણ ગુજરાતની જનતા ક્યારેય તમને તક આપવાની નથી. એવું મારું સ્પષ્ટ માનવું છે.

રાજ્યની જનતા કોંગ્રેસના આ ભ્રામક અપપ્રચારમાં ન આવીને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વિકાસયાત્રા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી ગુજરાતની વિકાસયાત્રામાં પોતાને સહભાગી બનાવી 3 તારીખે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં જંગી મતદાન કરીને વિજયી બનાવશે તેવો મને આત્મવિશ્વાસ છે. જનતાનો સાથ, જનતાનો વિશ્વાસ, જનતાનો આશીર્વાદ ભાજપાની સાથે જ છે, ચૂંટણી સમયે કોંગ્રેસના આવા પેંતરાઓથી જનતા સુપેરે વાકેફ છે, ભાજપાનો આ ચૂંટણીમાં ભવ્ય વિજય નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published.