///

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેટાચૂંટણીને લઇ સમીક્ષા કરી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેટાચૂંટણીને લઇને સમીક્ષા કરી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતુ કે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આગામી ૩જી નવેમ્બરને મંગળવારના રોજ યોજાવવા જઇ રહી છે અને તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો ઘણા સમયથી આ પેટાચૂંટણી માટે મહેનત કરી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે ચુંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીનો આધાર મતદાન છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતને મજબૂતાઇ બક્ષવામાં અને લોકશાહી પ્રણાલીને મજબૂત કરવામાં મતદાતાઓનું યોગદાન મહત્વનું હોય છે.

આગળ જણાવતા પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે ૩જી નવેમ્બરે સવારે 7 કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ તકે પ્રદેશ પ્રમુખે સૌ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મતદારોને અપીલ કરી હતી કે સૌ મતદાર ભાઈઓ અને બહેનો સવારે મતદાનના આરંભે જ મતદાન કરવાનો આગ્રહ રાખે અને પરિવારના સર્વે મતાધિકાર ધરાવતા સભ્યો સમયસર મતદાન કરે તે બાબતો જરૂરથી સુનિશ્ચિત કરવી. આ ઉપરાંત સર્વે મતદાતા મતદાન અવશ્ય કરે એકપણ મતદાર બાકી ન રહે તેની પણ ખાસ કાળજી લેવી.

પ્રદેશ પ્રમુખ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આ ચુંટણી ગુજરાત અને દેશના વિકાસ અને ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી સમગ્ર દેશમાં સર્વાંગી વિકાસ થાય તે માટે સર્વ સ્પર્શી કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓનો અમલ કરી રહ્યા છે.

રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર ખેડૂત, યુવાઓ, મહિલાઓ, શ્રમિકો, વંચિતો અને ગરીબ લક્ષી અનેક પ્રજાલક્ષી યોજનાઓના અમલ સાથે પ્રજા કલ્યાણ અને રાજ્યના વિકાસ પથને સુપેરે આગળ ધપાવી રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ પાટીલે અંતમાં જણાવ્યું હતું કે આ ચુંટણી એ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા માટેનો એક અમૂલ્ય અવસર છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે, દેશના વિકાસ પથ પર સૌ કોઈ સમ્મિલિત થાય અને ” સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ” ધ્યેય મંત્ર ચરિતાર્થ થાય તે માટે ભાજપ હંમેશા કટિબદ્ધ હોય છે. ભાજપના આ સંકલ્પ અને નેમમાં સૌ મતદારો પણ પોતાનો સહયોગ સુનિશ્ચિત કરે અને રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં સહયોગી બને તે અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published.