///

મહિલા વિરુદ્ધ ગુનાઓમાં 2019ના રાષ્ટ્રીય ક્રાઇમ રેટ 62.4 ટકા સામે રાજ્યમાં 27.1 નોંધાયો

વિધાનસભાની પ્રશ્નોતરીમાં આજે રાજ્યમાં મહિલા અને સગીર કન્યાઓને ભગાડી જવાના કિસ્સાઓ પણ ચર્ચામાં રહ્યા હતા. જેમાં આજે કોંગ્રેસ અને ભાજપના 5 જેટલા ધારાસભ્યોએ આ પ્રશ્નમાં ભાગ લીધો હતો. જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય પોલીસની કાર્યવાહી અને અન્ય વિગતો ગૃહમાં આપી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં મહિલા અને સગીર કન્યાઓને ભગાડી જવાના બનાવો અંગેનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ઉપસ્થિત કર્યો હતો જેના ઉત્તરમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ બનેલા 101 બનાવોમાં FIR નોંધી હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે 73 કિસ્સાઓમાં પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો આપી હતી. જ્યારે 113 ગુનેગારોને પકડી પાડ્યા છે. તો 22 આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દુર હોવાનો એકરાર રાજ્ય ગૃહમંત્રીએ કર્યો હતો.

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પેટા પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, છોટાઉદેપુર વિસ્તારમાં પોલીસનું મહેકમ ઓછું હોવાના કારણે છેલ્લા બે વર્ષથી 22 દોષિતો પકડી શકાયા નહીં હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં પ્રદિપસિંહે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત પૈકી છોટા ઉદેપુર વિસ્તારમાં મહિલાઓ અને સગીરાઓને ભગાડી જવાના ગુનાનું પ્રમાણ 5.1 ટકા છે. પરંતુ આવા કિસ્સાઓમાં લગ્ન કરવાના આશયથી કન્યાઓને ભગાડી જવામાં આવે છે ત્યારે મોટાભાગની ઘટનાઓમાં સગીર કન્યાની ઉંમર ઓછી હોય તો પોસ્કો હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવીને તેમણે પોસ્કો એક્ટ કાર્યવાહીની વિસ્તૃત વિગતો ગૃહમાં રજૂ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પેટા પ્રશ્ન ઉપસ્થિત કરીને રજુઆત કરી હતી કે પુખ્ત વયની મહિલા ભાગી જાય તો કેટલાક કિસ્સાઓમાં પોલીસ એફઆઇઆર લેતી નથી અને માત્ર જાણવાજોગ અરજી કરે છે જેના કારણે પરિવારની હાલત કફોડી અને રઝળપાટવાળી બનતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકારને અપીલ કરી હતી કે આવી ઘટનાઓમાં પોલીસ તાત્કાલિક એફઆઇઆર નોંધી તેવી સૂચના આપવાની માંગ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ સ્પષ્ટતા કરી હતી કે, આવા કિસ્સાઓમાં કોઈ નક્કર માહિતી મેળવ્યા બાદ જ FIR નોંધે છે એટલું જ નહીં પરંતુ 18 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ જાય તો FIR નથી થતી. જોકે આવા કિસ્સાઓમાં જરૂરી તમામ કાર્યવાહી પોલીસ કરતી હોવાનો દાવો કર્યો હતો.

પ્રદિપસિંહ જાડેજાએ સન 2019ના આંકડાઓ મુજબ મહિલાઓને અસરકર્તા ગુનાઓનો રાષ્ટ્રીય ક્રાઇમ રેટ 62.4 ટકા છે. ત્યારે ગુજરાતમાં 27.1 ટકા જેટલા નીચા રેટ સાથે દેશમાં 30માં સ્થાને છે. દેશમાં જયારે આવા ગુનાઓની સંખ્યા 4,05,861 છે. ત્યારે ગુજરાતમાં ફક્ત 8799 ગુના નોંધાયા છે. મહિલા વર્ગ તથા તેમની સુરક્ષા માટેના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.

આજે સમગ્ર રાજયમાં કુલ 39 મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સુવિધા ઊભી કરાઇ છે. કુલ 65 પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના માધ્યમથી પીડીત મહિલાઓને કાયદાકીય સલાહ પુરી પાડવામાં આવે છે. જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ હેઠળ કુલ 21 સબ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. તેના માટે કુલ 220.11 કરોડની રકમ ફાળવી છે.

તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગે પ્રેમ પ્રકરણના કારણે ભાગી જવાના કિસ્સાં બન્યાં છે. એક પણ કિસ્સો એવો નથી કે જેમાં સગીરા કે મહિલાનું શારીરિક શોષણ કરવાના ઇરાદાથી કે તેને વેચી દેવાના ઇરાદાથી કે સામૂહિક બળાત્કાર જેવા ઇરાદાથી ભગાડી જવાનો કિસ્સો બન્યો હોય. સને 2019માં રાજ્યમાં મહિલા વિરુધ્ધના 8799 ગુના પૈકી અપહરણના 1813 ગુના એટલે કે ફક્ત 2.7 ટકા ગુના નોંધાયા છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં ઉપરોક્ત સરખામણીએ માત્ર 0.4 ટકા ગુના નોંધાયા છે. સને 2019માં મહિલા વિરુધ્ધના ગુનાઓમાં રાજયનો ક્રાઇમ રેટ 27.1 ટકા રહ્યો છે. જયારે છોટાઉદેપુરનો ક્રાઇમ રેટ ફક્ત 5.1 છે.

Leave a Reply

Your email address will not be published.