નાઈજીરિયામાં એક આતંકવાદી ઘટનામાં ઓછામાં ઓછા 110 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હત્યા અત્યંત ક્રૂર રીતે કરવામાં આવી હતી, કેમકે આતંકવાદીઓએ આ લોકોના માથા વાઢી નાખ્યા હતાં. મૃત્યુ પામનારા લોકોમાં મોટાભાગના લોકો ખેડૂત અને માછીમારો હતાં. આતંકવાદી સંગઠન બોકોહરમ દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ હુમલા બાદ આતંકવાદીઓએ મૃતકોની પત્નીઓ અને પુત્રીઓને બંધક બનાવી લીધી હતી. આ ઘટના નાઇજીરિયાના બોર્નો રાજ્યની છે. રવિવારે મૃત્યુ પામનારાઓના અંતિમ સંસ્કાર કરાયા હતાં.
નાઇજીરિયામાં સંયુક્ત રાષ્ટ્રના સહસંયોજગ એડવર્ડ કેલને પણ 110 લોકોના માર્યા જવાની વાતને સમર્થન આપ્યું છે. ઘટનામાં કેટલાક લોકો ઇજા પણ પામ્યા છે. એડવર્ડ કેલને જણાવ્યું હતું કે આ વર્ષે નિર્દોષ વ્યક્તિઓની હત્યાની આ સૌથી મોટી ઘટના છે. તેમણે હત્યારાઓ પર કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના સહસંયોજગ એડવર્ડ કૈલને જણાવ્યું હતું કે હુમલાખોરો શસ્ત્રોથી સજ્જ થઈ મોટરસાઇકલ પર આવ્યા હતાં. પ્રારંભમાં ફક્ત 43 શબ મળ્યા હતાં, પરંતુ પછી શનિવારે રાત્રે બીજા 70 લોકોના શબ મળ્યા હતાં.
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ જણાવ્યું હતું કે આ હુમલાથી સમગ્ર દેશ શોકાતુર થઈ ગયો છે. આ સિવાય ગયા મહિને બે જુદી-જુદી ઘટનાઓમાં બોકોહરમને 22 ખેડૂતોને મારી નાખ્યા હતાં.