///

અમદાવાદમાં કરફ્યૂનો અમલ : શહેરમાં ચોતરફ સન્નાટો છવાયો

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાઈરસે કહેર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા નવા પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે અમદાવાદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી બે દિવસ માટે સંપૂર્ણ કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. શહેરમાં આજે કરફ્યુનો પ્રથમ દિવસ છે, ત્યારે શહેરભરમાં ચો તરફ સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કરફ્યુના કડક અમલ માટે પોલીસ તંત્ર ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રએ પણ કમર કસી છે. કરફ્યૂના પગલે અમદાવાદમાં ઠેર-ઠેર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ શહેરમાં પ્રવેશ કરતાં માર્ગો પર બેરિકેડ ગોઠવીને લોકોને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવાઈ રહ્યાં છે. કરફ્યૂના કારણે બહારગામથી આવતા મુસાફરોને અગવડ ના પડે તે માટે પણ પોલીસ કમિશ્નરે આદેશ જાહેર કર્યા છે. જેથી બહારગામથી આવતા મુસાફરોને ટિકિટ દર્શાવ્યા બાદ શહેરમાં મંજૂરી આપવામાં આવે છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોને કામ વિના બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં કરફ્યુ દરમિયાન બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે ચેતવણી પણ આપી છે કે, જાહેરનામાંનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે મોડી રાત્રે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અમદાવાદમાં 57 કલાકના કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે અમદાવાદમાં મોલ, માર્કેટ સહિત તમામ દુકાનો સાંજે 8 વાગ્યાની આસપાસ બંધ થઈ ગઈ હતી. જો કે આ કરફ્યુ દરમિયાન દૂધ અને દવાનું વેચાણ કરતી દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.