////

કોન મુકી ગયુ આ હાથીને? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ સર્જ્યુ કુતૂહલ

બનાસકાંઠામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લોકોને રસ્તા પર બિનવારસી અનેક વસ્તુઓ મળી આવતી હોય છે. પરંતુ અહીંતો દાંતીવાડામાં બિનવારસી ચાર હાથી મળી આવ્યા છે.

બનાસકાંઠાના દાંતીવાડાના સાતસણ ગામની સીમમાં 4 બિનવારસી હાથી જોવા મળ્યા છે. મહાવત વગર સીમમાં એકલા ફરી રહેલા આ હાથી હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો બીજી તરફ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છે. સાતસણ ગામની સીમમાં ચાર હાથી જોવા મળતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં છે. હાથીની ભાળ મેળવવા પાંથવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

આ હાથી કોણ મૂકી ગયુ તે કોને ખબર નથી, હાથી ક્યાંથી આવ્યા તે કોઈને ખબર નથી. પરંતુ દાંતીવાડાના સાતસણ ગામની સીમમાં આજે મંગળવારે સવારે એકસાથે ચાર હાથી જોવા મળ્યા હતાં. રાજસ્થાનની સરહદે અડીને આવેલું આ ગામ છે. અચાનક ચાર હાથી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. આ હાથીના કોઈ વારસદાર સામે આવ્યા નથી. સામાન્ય રીતે, હાથી સાધુ-સંતો અથવા ધનવાન વ્યક્તિ કે લગ્નપ્રસંગમાં બગીઓ રાખવાનું કામ કરતા લોકો હાથી રાખતા હોય છે. પરંતુ ગામમાં અચાનક ચાર હાથી કેવી રીતે આવ્યા તે મોટો સવાલ છે.

આ વિશે ગામલોકો દ્વારા દાંતીવાડા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વન વિભાગે હાથીઓનો કબજો હાથ ધરીને હાથીના માલિકની શોધખોળ ચાલુ કરી છે. તો સાથે જ વન વિભાગે તમામ હાથી માટે ઘાસચારો તથા પાણીની પણ વ્યવસ્થા કરી હતી. તેમજ આ હાથીઓની આરોગ્યની ચકાસણી પણ હાથ ધરી છે કે, તેઓને કોઈ બીમારી કે અન્ય તકલીફ તો નથી ને.

સ્થાનિકોનું કહેવુ છે કે, હાથીઓને કોઈ છોડીને જતુ રહ્યું છે. પરંતુ હાથી કોણે છોડ્યા તે તેમને ખબર નથી. સવારે જોયુ તો ગામની સીમમાં ચાર હાથી રખડી રહ્યા હતાં. આકસ્મિક રીતે ચાર હાથી કેવી રીતે આવ્યા તે પોલીસ તથા ફોરેસ્ટ વિભાગ માટે મૂંઝવતો પ્રશ્ન છે.

Leave a Reply

Your email address will not be published.