///

નિવાર વાવાઝોડું તમિલનાડુ તટે ટકરાશે, ભારે વરસાદથી ચેન્નઈમાં જળબંબાકાર

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડુ નિવાર આજે તમિલનાડુના કાંઠે ટકરાવા જઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમ પર સ્થિત વાવાઝોડુ નિવાર આગામી 12 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું માનીએ તો, આજે સાંજે 140-150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આ વાવાઝોડું તમીલનાડુના મામલાપુરમ અને કૈરાકલના કાઠાં વચ્ચે ટકરાઈ શકે છે.

હાલ વાવાઝોડા નિવારના પગલે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડીચેરીમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ચેન્નઈમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાયી છે. વાવાઝોડાના પગલે ચેન્નઈમાં કુલ 129 રાહત શિબિરો બનાવવામાં આવી છે. જ્યારે 8 શિબિરો પર પહેલાથી જ 312 લોકો આશરો લઈ રહ્યાં છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડીચેરીના કાંઠા વિસ્તારોમાં વરસાદ કાલથી શરૂ થઈ ચૂક્યો છે.

આ ઉપરાંત NDRF દ્વારા ત્રણેય રાજ્યોમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NDRFએ 1200 જેટલા બચાવ કર્મચારીની ટીમ તૈનાત કરી છે. જ્યારે વધારના 800ને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રણેય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરીને તમામ સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જ વાવાઝોડાના પગલે સરકારે ખાસ એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને કામ સિવાય બહાર ના નીકળવીની અપીલ કરવામાં આવી છે.

સાથે જ હવામાન વિભાગના એલર્ટ બાદ સાઉથર્ન રેલવેએ અનેક ટ્રેનો અને ફ્લાઈટ્સને રદ્દ કરી દીધી છે. રદ્દ કરવામાં આવેલી ટ્રેનની ટિકિટની તમામ રકમ પેસેન્જરને રિફંડ કરવામાં આવશે. આ સિવાય કેટલાક ઠેકાણે બસો પણ બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.