///

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8ની એકમ કસોટીની તારીખ જાહેર

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાતી એકમ કસોટીની તારીખોને જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ડિસેમ્બરના અંતમાં યોજાશે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. જે 30 અને 31 મી ડિસેમ્બરના રોજ લેવામાં આવશે.

આ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા 4 એકમ કસોટી યોજાઇ હતી. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીમાં પરીક્ષાનું આયોજન કરવાનું શક્ય નહી હોવાનાં કારણે ઘરે જ પરીક્ષા અંગેનું આયોજન કરવા માટે શાળાઓને આદેશ અપાયા છે.

અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર ભાગમાં કસોટી લેવામાં આવી છે. ડિસેમ્બરમાં યોજનારી એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં મોકલી આપવામાં આવશે. ગુજરાતી અને ગણિત વિષયમાં લેવાનારી આ પરીક્ષા બાદ વાલીઓને 6 જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવી પડશે. ત્યારબાદ શાળા સ્તરે કાર્યવાહી શરૂ થશે.

જે શાળાઓ ડિસેમ્બરના અંતમાં નાતાલનું વેકેશન રાખતી હોય તેવી શાળાઓ એકમ કસોટીનાં કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. આ શાળાઓએ પણ 6 જાન્યુઆરી સુધીમાં એકમ કસોટીની ઉત્તરવહીઓ પરત મળી જાય તે પ્રકારે આયોજન કરવાનું રહેશે. તે માટેનું તમામ આયોજન અને તૈયારીઓ શાળા સ્તરે જ કરવાની રહેશે.

ઉલ્લેખીય છે કે, શાળાઓ ખુલવા અંગે હજુ સુધી સ્થિતી સ્પષ્ટ નથી. તેવામાં પરીક્ષાનાં આયોજન અંગે અવઢવ છે. વાર્ષિક પરિક્ષાઓ અંગે પણ ભારે અવઢવ છે. અનેક રાજ્યો વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી ચુક્યા છે. ત્યારે આ તકે ગુજરાત સરકાર શું નિર્ણય લે તે તો આગામી સમય જ બતાવશે?.

Leave a Reply

Your email address will not be published.