////

DDC Election Results: કાશ્મીરમાં BJPનું ખાતુ ખુલ્યું, 3 બેઠક પર થઇ જીત

જમ્મુ-કાશ્મીરમાં DDC ચૂંટણીના પરિણામોમાં જમ્મુમાં BJP, તો આર્ટીકલ 370 હટાવ્યા બાદ બનેલા ગૃપકર ગઠબંધનને કાશ્મીર ઘાટીમાં બહુમત મળતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના પરિણામો પર નજર નાંખીએ તો, સૌથી મોટી વાત એ છે કે, ઘાટીમાં પ્રથમ વખત BJPએ વિજય પતાકા લહેરાવ્યા છે અને 3 સીટો પર જીત મેળવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોને મળી રહેલી લીડ પણ ચોંકાવનારી રહી છે. જો આ લીડ પરિણામોમાં ફેરવાશે, તો જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ જિલ્લાઓમાં અધ્યક્ષ બનાવવામાં આ અપક્ષ ઉમેદવારો કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.

આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિત 7 પાર્ટીઓનું ગઠબંધન ગૃપકર 88 DDC બેઠકો પર આગળ છે, જ્યારે 46 સીટો પર BJP આગળ છે. કોંગ્રેસ પણ 21 સીટો પર આગળ છે. ઘાટીમાં BJP માટે ખુશખબર એ છે કે, ત્રણ સીટો પર તેનું જીતનું ખાતુ ખુલી ગયું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર આપની પાર્ટી ફ્લોપ સાબિત થઈ રહી છે.

તો શ્રીનગરની એક સીટ પરથી જીતનારા BJP ઉમેદવાર એન્જિનિયર એજાજ હુસૈને પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે ગૃપકાર ગઠબંધન વિરુદ્ધ લડ્યા અને આજે શ્રીનગરમાં બલહામા સીટ પર જીત્યા. હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સુરક્ષા જવાનોનો આભાર માનું છું.

DDC ચૂંટણીના પરિણામોમાં ગૃપકાર ગઠબંધન ભલે આગળ ચાલી રહ્યું હોય, પરંતુ BJPએ મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તાર કાશ્મીર ઘાટીમાં સીટો જીતીને રેકોર્ડ બનાવ્યો છે. BJP વિરૂદ્ધ 7 પાર્ટીઓએ ગૃપકાર ગઠબંધન બનાવીને એકસાથે ચૂંટણી લડી રહ્યાં છે. ગુપકાર ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ, PDP, પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કૉન્ફરન્સ, JK પીપલ્સ મૂવમેન્ટની સાથે CPI અને CPM સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.