////

DDC Result: જમ્મુ કાશ્મીરમાં BJPએ રચ્યો ઈતિહાસ, 70થી વધુ બેઠકો પર જીત મેળવી

જમ્મુ અને કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદના પરિણામ આવી ગયા છે. ત્યારે આ પરિણામોમાં 7 પાર્ટીઓના બનેલા ગૃપકાર ગઠબંધને સૌથી વધુ સીટો હાંસલ કરી છે. જ્યારે BJPએ ઈતિહાસ રચ્યો છે જે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. અત્યાર સુધી મળેલા આંકડા મુજબ ગૃપકાર ગેંગને 101 બેઠકો મળી છે. આ ગઠબંધન 7 પાર્ટીઓનું બનેલું છે. જેમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, CPI-CPIM, અવામી નેશનલ કોન્ફરન્સ અને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સામેલ છે.

ત્યારે સૌથી મોટી વાત એ છે કે, એકલા BJPના ફાળે 74 જેટલી ધરખમ બેઠકો ગઈ છે. નેશનલ કોન્ફરન્સને 67 બેઠકો મળી છે. PDPને 27 બેઠકો જ્યારે કોંગ્રેસને 26 બેઠકો મળી છે. અપક્ષોએ આશ્ચર્યજનક રીતે 49 બેઠકો મેળવી છે. આ સિવાય જેકેએપીને 12, સીપીઆઈએમને 5, જેકેપીએમને 3 અને એપીપીને 2 બેઠકો મળી છે. બીએસપી અને પીડીએફના ફાળે પણ એક એક બેઠક ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપે પહેલીવાર કાશ્મીરમાં પોતાનું ખાતું ખોલ્યું છે અને 3 બેઠકો મેળવી છે.

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ પહેલી ચૂંટણી હતી. આઠ તબક્કામાં થયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીની શરૂઆત 28 નવેમ્બરે થઈ હતી. આ દરમિયાન કુલ 280 બેઠકો માટે મતદાન થયું. 280 બેઠકોમાંથી 140 બેઠકો જમ્મુનો ભાગ છે જ્યારે 140 બેઠકો કાશ્મીરના ફાળે છે. જમ્મુ વિસ્તારમાં અપેક્ષા મુજબ BJP આગળ નીકળી ગઈ છે. પાર્ટીને 10માંથી 6 જિલ્લામાં બહુમત મળ્યું છે. પાર્ટી અહીં પોતાના ડીડીસી ચેરમેન બનાવશે. આ જિલ્લા છે જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર, ડોડા અને રેસાઈ.

મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીર ઘાટીમાં BJPએ 3 બેઠકો મેળવી જે ઐતિહાસિક છે. આ સિટ શ્રીનગરની ખોનમોહ-2, જ્યાંથી ભાજપના એજાઝ હુસૈન જીત્યા છે. બાંદીપોરામાં એજાઝ અહેમદ ખાને જીત મેળવી છે જ્યારે પુલવામાના કાકપોરામાં મિન્હા લતીફ જીત્યા છે. મોડી રાત સુધી ચૂંટણી પંચે 241 બેઠકોના પરિણામો જાહેર કર્યા હતા.

ત્યારે કાશ્મીર ઘાટીમાં પહેલીવાર એવું બન્યું છે કે, PDP અને નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ BJPને જીત મળી છે. જીતથી ઉત્સાહિત ભાજપના મહાસચિવ વિબોધ ગુપ્તાએ કહ્યું કે, ઘાટીના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.