///

રબારી સમાજનાં ધર્મગુરુ બળદેવગીરીનું અવસાન, PM મોદી અને મુખ્યપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલી

રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન થયું છે. તરભ વાળીનાથ ધામના મહંત બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ માટે ખુબ જ પુજ્ય હતાં. જ્યારે તરભ વાળીનાથ ધામ પણ રબારી સમાજનાં લોકોમાં ખુબ જ પુજ્ય સ્થાન છે. મહંત લાંબા સમયથી બિમાર હોવાનાં કારણે તેમની સારવાર ચાલી રહી હતી. બળદેવગીરી મહારાજનાં નિધનથી રબારી સમાજનાં લાખો ચાહકોમાં શોકની લાગણી પણ પ્રસરી છે. લાંબી બિમારી બાદ સાંજે તેઓ સ્વર્ગારોહણ કરી ગયા હતાં.

મહંતના નિધનના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મગુરુ બળદેવ ગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજની આસ્થાનો ઉલ્લેખ કરતાં વિજય રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

વડાપ્રધાન મોદી દ્વારા પણ મહંતને શોકાંજલી પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી દુ:ખ અનુભવું છું. ઈશ્વર એમના આત્માને સદગતિ અર્પે તથા હજારો અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…ઓમ શાંતિ….!!

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી શોકાંજલી પાઠવી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published.