////

અમદાવાદીઓ ચેતી જજો, 31 ડિસેમ્બરની ઉજવણી જાહેરમાં નહીં થઇ શકે

કોરોના વાઇરસના કહેર વચ્ચે લોકોએ તહેવારોની ઉજવણી ઘરમાં કરી હતી. ત્યારે હવે લોકોએ હવે આગામી 31 ડિસેમ્બરની ઉજવણી પણ પોતાના ઘરમાં કરવી પડશે. જી હા એ સાચુ છે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બરની જાહેરમાં કોઇ પણ પ્રકારની ઉજવણીની મંજૂરી આપવામાં આવશે નહીં. આ દિવસે કડક કરર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. રાત્રે લોકોને કોઈ સ્થળે એકઠા ન થવા માટેની પણ કડક સૂચના પોલીસ કમિશનરે આપી છે.

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધતા વ્યાપને પગલે રાત્રી કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી લોકોને ઘરની બહાર નિકળવાની મંજૂરી નથી. હવે એક સપ્તાહ બાદ 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે દર વર્ષે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટીઓના આયોજન થતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે કોઈને જાહેરમાં પાર્ટીની મંજૂરી મળશે નહીં. આ સાથે તે દિવસે પણ કડક અમલ કરવામાં આવશે. પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે. પોલીસ તરફથી કોઈ જગ્યાએ પાર્ટીની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગેની જાહેરાત અમદાવાદના પોલીસ કમિશનરે કરી છે.

મહત્વનું છે કે હાલ કોરોના વાયરસ મહામારીને કારણે અનેક નિયમો લાગુ છે. તેનું પાલન લોકોએ ફરજીયાત કરવાનું હોય છે. તો રાત્રી કરર્ફ્યૂ પણ શહેરમાં લાગુ છે. તે દરમિયાન નિયમોનો ભંગ કરતા લોકો વિરુદ્ધ પોલીસ દંડની કાર્યવાહી કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં પોલીસે 1 કરોડ 10 લાખનો દંડ વસૂલ કર્યો છે. પોલીસે આ દરમિયાન 2 હજાર 429 ગુના નોંધ્યા છે. જેમાં કરર્ફ્યૂ ભંગ, રાત્રે બહાર નિકળતા લોકો, માસ્ક ન પહેરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.