////

કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો, રિકવરી રેટ 87 ટકાને પાર : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં ફેલાયેલી કોરોના મહામારી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 20 દિવસથી દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મેએ દેશમાં 17.13 ટકા સક્રિય કેસ હતા, જે હવે ઘટીને 11.12 ટકા રહી ગયા છે. રિકવરી રેટ પણ 87.79 ટકાએ પહોંચી ગયો છે. દેશમાં 2 કરોડ 30 લાખથી વધુ લોકો રિકવર થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, 1 લાખથી વધુ સક્રિય કેસ હવે ઘટીને માત્ર 8 રાજ્યોમાં રહી ગયા છે. 50 હજારથી 1 લાખ સક્રિય કેસવાળા પણ 8 રાજ્યો છે. 50 હજારથી ઓછા એક્ટિવ કેસવાળા 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. માત્ર સાત રાજ્યો છે જે 10 હજારથી વધુ કેસ રિપોર્ટ કરી રહ્યાં છે અને 5થી 10 હજાર વાળા 6 રાજ્યો છે. આ સાથે સ્વાસ્થ્ય સચિવે સૌથી વધુ થઈ રહેલા મૃત્યુવાળા રાજ્યોના નામ જણાવ્યા હતા. તેમણે કહ્યુ કે, 6 રાજ્યોમાં સૌથી વધુ મોત થઈ રહ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, યૂપી, પંજાબ અને દિલ્હી છે.

તેમણે કહ્યું કે, દેશમાં 18 રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી 15 ટકાથી વધુ છે, જેમાં લગભગ બધા રાજ્યોમાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 5-15 ટકા પોઝિટિવિટી રેટવાળા 14 રાજ્યો છે. 4 રાજ્યોમાં પાંચ ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી 18.41 કરોડ વેક્સિન ડોઝ 45થી વધુ ઉંમરના લોકો, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 18થી 44 વર્ષ ઉંમર વર્ગ માટે 92 લાખ ડોઝ વેક્સિન અત્યાર સુધી આપવામાં આવી છે.

લવ અગ્રવાલે જણાવ્યુ કે, બ્લેક ફંગસ માટે એમફોટેરેસિન-બી જે દેશમાં સીમિત સંખ્યામાં ઉપલબ્ધ છે, તેનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. 5 અન્ય કંપનીને લાયસન્સ આપવાનું કામ ચાલી કર્યું છે. હાલ જે મેન્યુફેક્ચર્સ છે તે પણ ઉત્પાદન વધારી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.