///

ભારત બંધ : AAP નો આરોપ – દિલ્હી પોલીસે મુખ્યપ્રધાન કેજરીવાલને નજરકેદ કર્યા

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય. આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે. ભારત બંધ આજે સવારે 8 કલાકથી શરૂ થયું છે. ખેડૂતો સવારે 11 કલાકથી બપોરે 3 કલાક સુધી દેશ ભરમાં ચક્કાજામ કરશે. જો કે એમ્બ્યુલન્સ સહિત અનેક ઈમરજન્સી સેવાઓને બંધમાં રાહત આપવામાં આવી છે.

આ વચ્ચે આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હી પોલીસે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હાઉસ અરેસ્ટ કર્યા છે. પાર્ટીએ કહ્યું કે ખેડૂતોને મળીને આવ્યા બાદથી અરવિંદ કેજરીવાલને ઘરની બહાર જવા દેવાયા નથી.

આ વચ્ચે દિલ્હી પોલીસે પણ કહ્યું હતું કે મુખ્યપ્રધાન કેજરીવાલને કોઇ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા નથી. પરંતુ પક્ષો વચ્ચે કોઇ ટકરાવ ન થાય તેને લીધે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે દેશમાં છેલ્લા 12 દિવસથી ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ શાંતી પ્રદર્શન કરી રહ્યાં છે. જેને દેશ સહિત અનેક લોકોએ ટેકો જાહેર કર્યો છે. ખેડૂતોએ પોતાની માગણી સરકાર પાસે મુકી છે અને કહ્યું છે કે આ કાળો કાયદો પરત લઇ લે. જેના પગલે ખેડૂત અને સરકાર વચ્ચે અનેક વાર વાતચીત થઇ પરંતુ તેનુ કોઇ નક્કર પરીણામ આવ્યું નહતું.

મહત્વનું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બેઠક આવતીકાલે બુધવારે યોજાશે. જેના પગલે ખેડૂતોએ આજે મંગળવારે ભારત બંધનું એલાન કર્યુ હતું. જેનો દેશમાં મિશ્રપ્રતિસાદ જોવા મળે છે. ક્યાંક દુકાનો બંધ છે તો ક્યાંક ટાયર સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યોં છે.

Leave a Reply

Your email address will not be published.