///

દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, 10 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું

દેશની રાજધાની નવી દિલ્હીમાંથી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. દિલ્હી પોલીસ અને રેલવે પોલીસ યુનિટે ડ્રગ્સની ખેપનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ કેસમાં એક નાઇઝીરિયન નાગરિક અને તેની મહિલા મિત્રની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ પોલીસને 10.5 કિલોગ્રામ એન્ફીટામાઇમ ડ્રગ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત 10 કરોડ રૂપિયા થાય છે. જેને બેંગલુરુથી લાવવામાં આવ્યું હતું અને રેવ પાર્ટીમાં તેનો ઉપયોગ થવાનો હતો. નાઇઝીરિયન નાગરિકની ઓળખ ચીમા વિટાલિસ તરીકે કરવામાં આવી છે. જ્યારે મહિલાનું નામ શ્રીમતિ કહેવામાં આવી રહ્યું છે. પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સ કેસ વધી રહ્યા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) મોટી કાર્યવાહી કરતા દિલ્હીથી જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઇડામાંથી હેરોઇન, કોકીન અને ગાંજાની દાણચોરીનું એક આંતરરાષ્ટ્રીય મૉડ્યૂલ પકડી પાડ્યું હતું. આ મામલે દરોડો કરતા NCBએ મુખ્ય આરોપી સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. NCBએ આરોપીઓ પાસેથી આઠ કિલોગ્રામ હેરોઇન, 455 ગ્રામ કોકીન અને 1.1 કિલોગ્રામ ગાંજો ઝપ્ત કર્યો હતો.

આ મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કહ્યું હતુ કે, ભારતમાં રહેતો એક આફ્રિકન આ ગેંગનો ‘સરદાર’ છે, તેની તાજેતરમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે તેના કબજામાંથી 1.75 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તપાસમાં ખુલાસો થયો હતો કે આ સિન્ડિકેટનું મૉડ્યુલ સંપૂર્ણ રીતે ભારત પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published.