/

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગ

પશ્ચિમ બંગાળમાં એપ્રિલ અને મે મહીનામાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ ઊઠી છે. તૃણમુલ કોંગ્રેસમાં જુથબંધીથી પરેશાન CM મમતા બેનરજી માટે આ સ્થિતિ માથાનો દુઃખાવો સમાન છે.

ભાજપે તેની તરફેણ કરી છે અને રાજ્યપાલ જગદીપ ધનખડે રાજકીય હિંસા અંગે સવાલો ઊઠાવ્યા છે. આ સાથે બંધારણ મુજબ પગલાં લેવાની માગ કરી છે.

પશ્ચિમ બંગાળમાં જે પણ થઇ રહ્યું છે તે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી થઇ રહ્યું હોવાનું રાજકીય વર્તુળોનું માનવું છે. હવે રાજકીય હિંસાના નામે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચર્ચા વેગ પકડી રહી છે.

વડાપ્રધાન મોદીએ પણ બિહારના વિજયની ઉજવણીમા નામ લીધા વિના કહ્યું હતું કે, ‘મોતનો ખેલ ખેલીને મત મળતા નથી.’ વડાપ્રધાને સાંકેતિક ભાષામાં મમતા સરકારને ચેતવણી આપી છે. 5-6 મહિના બાદ થનારી ચૂંટણી પહેલાં જ ભાજપે મમતા સરકારને ઘેરવાની રણનીતિ બનાવી લીધી છે. જેના ભાગરુપે કેન્દ્રીય ગૃહપ્રધાન થોડા દિવસ પહેલાં બે દિવસની કોલકાતાની મુલાકતે હતાં.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે બંગાળમાં રાજકીય હિંસા રોકાવવાનું નામ જ લઇ રહી નથી. અહીં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓ રાજકીય કાર્યરત બની ગયા છે. લોકતંત્રમાં આ યોગ્ય નથી. સુરક્ષા આપવામાં પણ રાજકારણ રમાઇ રહ્યું છે. વિરોધી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી રહી છે.

રાજ્યપાલ ધનખડે વધુમાં કહ્યું કે “હું બંગાળના હાલાત જોઇ ચિંતિત છું. હું નથી ઇચ્છતો કે પશ્ચિમ બંગાળની જનતા નિષ્પક્ષ ચૂંટણી યોજાવવાનો વિશ્વાસ ગુમાવી દે. હું રાષ્ટ્રપતિ શાસન લગાવવા અંગે તો કંઇ નહીં કહું, પરંતુ લોકોના હિતમાં બંધારણ મુજબ પગલાં લેવા જોઇએ. ભારતના બંધારણ હેઠળ મને શક્તિ મળી છે. છતાં રાજ્યપાલ તરીકે માત્ર બંધારણના આદેશનું પાલન કરું છું. હું માત્ર બંધારણનો એજન્ટ છું.”

ભાજપે કાર્યકર્તાઓની હત્યા અને તેમના પર થઇ રહેલા હુમલા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે. ગુરુવારે બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષના કાફલા પર પથ્થરમારો થયો હતો. તેનો વિરોધ કરવા જતા પોલીસે 40 ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી.

દિલીપ ઘોષે આરોપ મુક્યો કે પોલીસ ટીએમસીના કેડરની જેમ કામ કરી રહી છે. તેમણે ટીએમસી કાર્યકરોને ધમકી આપી કે તમારું વર્તન બદલો નહીંતર હાથ પગ તુટશે.

દિલીપ ઘોષે કહ્યું કે પોલીસની સામે નેતાઓ પર હુમલા થઇ રહ્યા છે. છતાં એફઆઇઆર નોંધાતી નથી. ઉલટાનું અમારા કાર્યકરોની અટકાયત કરાઇ રહી છે. મમતા પોતે ઇચ્છે છે કે રાજ્યમાં કલમ 356 લાગુ થાય. તેઓ કેન્દ્ર સરકારને આના માટે મજબૂર કરી રહ્યાં છે. જેથી ચૂંટણીમાં વિક્ટિમ કાર્ડ રમી શકે.

હવે તો બંગાળના લોકો પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ સરકાર રહેશે, ત્યાં સુધી નિષ્પક્ષ ચૂંટણી નહીં થાય તેથી રાષ્ટ્રપતિ શાસન જરુરી છે.

બંગાળમાં રાજકીય હિંસાનો મુદ્દો પહેલેથી છે. વિપક્ષ હંમેશા મમતા સરકાર પર નિશાન સાધતો રહ્યો છે. તાજેતરમાં કાંથી ભગવાનપુર વિધાનસભા ક્ષેત્રના ઇટાબેડિય અંચલમાં ભાજપના કાર્યકરની હત્યા કર્યાનો આરોપ છે. અત્યાર સુધી રાજ્યમાં 89 કાર્યકરોની હત્યા થઇ હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે.

બિહારમાં બીજા સૌથી મોટા પક્ષની સાથે એનડીએને વિજય મળતા ભાજપનો જુસ્સો બહુ બુલંદ છે. તેનાથી તૃણમુલ કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે. મમતા બેનરજી કેન્દ્ર સરકાર પર ધમકી આપવાનો આરોપ મૂકી રહ્યાં છે.

થોડા દિવસ પહેલાં જ મમતા બેનરજીએ આરોપ મુક્યો હતો કે કેન્દ્ર સરકાર અહીંના આઇપીએસ અધિકારીઓને ધમકાવી રહી છે કે તેના આદેશોનું પાલન નહીં કરે તો વિજિલન્સ અથવા આઇટીના મામલે ફસાવી દેવાશે.

બંગાળમાં રાજકીય હિંસા અને કેન્દ્ર સરકાર સાથે ખેંચતાણને લીધે રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત કરવામાં આવી રહી છે. ભારતીય બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો અધિકાર આપે છે.

કોઇ રાજ્યની સરકાર જો બંધારણ મુજબ કામ ન કરે કે સરકાર રચવામાં મુશ્કેલી થતી હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાય છે. જો રાજ્ય સરકાર બંધારણની જોગવાઇઓ મુજબ કામ કરતી નહીં હોવાના તર્ક સાથે સંમત હોય તો રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટની સંમત્તિથી રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.

Leave a Reply

Your email address will not be published.