////

મનફાવે તેવા બિલ વસુલતી ખાનગી હોસ્પિટલો પર લગામ મૂકો, ચાર્જ ઘટાડવાની માગ ઉઠી

રાજ્યની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનફાવે તેમ લાખોના બિલ વસૂલી રહી છે. ત્યારે હવે કોરોના દર્દીઓના સારવારનો ચાર્જ ઘટાડવા માગ ઉઠી છે. કોરોનાના RTPCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડા બાદ હવે કોવિડની ખાનગી હોસ્પિટલ દ્વારા લેવાતો ચાર્જ ઘટાડવા માગ ઉઠી છે. અમદાવાદના જાણીતા તબીબ વસંત પટેલ દ્વારા આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.

કોરોનાના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલને મંજૂરી અપાઈ હતી. કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારનો રકમ નિશ્ચિત કરવામાં આવી હતી. પરંતુ 6 મહિના પહેલા નક્કી કરાયેલા ભાવમાં હવે સરકાર ઘટાડો કરે તેવી માગ ઉઠી છે. જે તે સમયે PPE કીટ, સેનેટાઇઝર, ઓક્સિજન, સર્જીકલ આઈટમ, કેટલીક જરૂરી દવાની અછત હતી. સાથે જ જરૂરી ચીજોના ભાવમાં અચાનક વધારો નોંધાયો હતો. પરંતુ હવે PPE કીટ, જરૂરી દવાઓ, સેનેટાઇઝર, સર્જીકલ આઈટમ સરળતાથી અને અગાઉ કરતા ખૂબ જ નજીવી કિંમતોમાં મળી રહી છે. હાલ ગુજરાતની પ્રજા આર્થિક ભીંસમાં પણ છે. તેમજ કોવિડ હોસ્પિટલ દ્વારા ખોટા ચાર્જ લગાવી મનફાવે તેવા બિલો અપાતા હોવાની સતત ફરિયાદો મળી રહી છે.

કોવિડ હોસ્પિટલોના મનફાવે તેવા બિલથી સરકારની પણ છબી બગડી રહી છે. હાલ અમદાવાદમાં AMC તરફથી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે 98 ખાનગી હોસ્પિટલમાં 3204 જેટલા બેડ ફાળવીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સરકાર હાલની પરિસ્થિતિ મુજબ કોરોનાની સારવારના ચાર્જ નક્કી કરે તો અનેક નાગરિકોને આર્થિક લાભ થઈ શકે છે. મનફાવે તેવા બિલથી શહેરીજનોને રાહત મળી શકે છે.

કોરોના વાઇરસના પગલે રાજ્યમાં મોટા ભાગના ધંધા રોજગાર ઠપ્પ જેવી સ્થિતીમાં છે. જો કે તેવામાં ખાનગી હોસ્પિટલો માટે જાણે કોરોના કમાણીનું માધ્યમ બનીને આવ્યું છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી પૈસાની લૂંટ જ ચલાવે છે. આ મુદ્દો તંત્રના ધ્યાને પણ આવી ચુક્યો છે. જેના કારણે તંત્ર દ્વારા પણ અનેક ચિમકીઓ ઉચ્ચારવામાં આવી હોવા છતાં પણ હોસ્પિટલો પોતાની કમાણી બમણી કરવામાં જ વ્યસ્ત છે. ફ્રન્ટલાઇન વોરિયર અને સેવાના નામે ખાનગી હોસ્પિટલો માટે કોરોનાના દર્દીઓ સોનાના ઇંડા આપતી મરઘીઓ સાબિત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.