//

રાજકોટ રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા ઓવર બ્રિજ નીચેથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 100 કરતા વધારે ઝૂંપડાઓ રેલવે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અહીં ગેરકાયદેસર દબાણ વધતા કોઈ મોટી અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ તેના પર રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા ઓવર બ્રિજ નીચે છેલ્લાં કેટલાંક સમયથી ગેરકાયદેસર રીતે ઝૂંપડાઓ બાંધીને લોકો વસવાટ કરતા હતા. જેને લઈને રેલવે તંત્ર દ્વારા 10 દિવસ અગાઉ જ આ લોકોને ગેરકાયદેસર દબાણની જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા રેલવેની જગ્યા ખાલી કરવામાં નહી આવતા અંતે વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે પોલીસ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.

મહત્વનું છે કે રેલવે ટ્રેકની બંન્ને બાજુએ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આ વિસ્તારમાંથી નીકળતી ટ્રેનોને અહીં ધીમી પાડવી પડતી હતી. જ્યારે અહીં બન્ને બાજુએ રેલવે ટ્રેક પર ગેરકાયદેસર દબાણ હોવાના કારણે અકસ્માતનો પણ ભય રહેતો હતો. જેને લઇને રેલવે તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન અંદાજિત 100થી વધુ ઝૂંપડાંઓ રેલવે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લક્ષ્મીનગર નાલા ખાતે રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.