//

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે અબડાસામાં સભા સંબોધી

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. આ ચૂંટણી પ્રવાસ અન્વયે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે શુક્રવારે અબડાસા વિધાનસભામાં સભા સંબોધી હતી.

આ તકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અબડાસા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં 2:30 કલાકે ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાઈ ખાતે દર્શન કર્યા હતા અને બપોરે 3 કલાકે નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી હતી. ત્યારબાદ સાંજે 6 કલાકે વિથોણ તા. નખત્રાણા ખાતે જાહેરસભાને સંબોધી હતી.

આ સભામાં અબડાસા વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ અને રાજ્ય સરકારના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અબડાસા વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા -તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ /મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભાજપા સંગઠનના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર સભાને સંબોધન કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. ત્યારે કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાને અને ભારતના એકીકરણ માં તેના સિંહ ફાળાને અવગણીને માત્ર નહેરુ અને ગાંધી પરિવારની જ કદમપોષી કરી સરદાર સાહેબનું અપમાન કર્યું છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતના પનોતા પુત્ર અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબને તેની પ્રતિભા અને કદને છાજે તે પ્રકારે આદરાંજલી પાઠવી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નહીં પણ ગુજરાતની અસ્મિતા અને ગૌરવનું પ્રતીક બની છે. વડાપ્રધાન મોદીના અડગ સંકલ્પ અને મક્કમ પ્રયાસોને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વૈશ્વિક ફલક પર આગવી ઓળખ ઊભી થઈ છે અને ત્યાં આજે લોકાર્પણ થયેલા પ્રકલ્પોના કારણે ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક આયામ ઉમેરાયો છે. જેના કારણે ગુજરાત પ્રવાસન હબ બનવાની દિશામાં અગ્રેસર રહેશે.

નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે જ્યારે કોરોના સામે વિશ્વના મોટા મોટા દેશો હાર માની ચૂક્યા હતા અને મોટી માનવ ખુવારીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના અવિરત પ્રયાસોના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતા દેશો પૈકીનો એક દેશ હોવા છતાં અન્ય દેશોની સરખામણીમાં મહદ અંશે મૃત્યુ દર ઘટાડવામાં આપણે સફળ રહ્યા.

રાજ્યમાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપ સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ, દવાઓ, જીવનરક્ષક ઇન્જેક્શનો પૂરા પાડીને નાગરિકોને મુશ્કેલી દૂર કરવા વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. રાજ્યની ભાજપ સરકારના પ્રમાણિક પ્રયાસો અને સતત સુપરવિઝનના કારણે જ પડોશી રાજ્યો કરતા ગુજરાતમાં કોરોના રિકવરી રેટ વધ્યો છે અને ડેથ રેટ ઘટયો છે. નાયબ મુખ્યપ્રધાને અંતમાં અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ઐતિહાસિક જીત અપાવી રાજ્યની ભાજપ સરકારના હાથ મજબૂત કરવા સૌના સહયોગ માટે અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.