////

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મોરબી ખાતે સભા સંબોધી

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અન્વયે ગઇકાલે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલનો મોરબી વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ યોજાયો હતો.

જ્યાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મોરબી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર બ્રીજેશ મેરજાના સમર્થનમાં બપોરે 1:30 કલાકે વાઘપર, તા. મોરબી ખાતે જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ સાંજે 5 કલાકે શ્રીજી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં અને ત્યારબાદ સાંજે 6:15 કલાકે વેલસા વિટ્રીફાઇડ, નવા જાંબુડિયા, મોરબી ખાતે રાજ્ય સરકારના પ્રધાન અને મોરબી વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ અને હોદેદારો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

જાહેર સભામાં રાજ્ય સરકારના પ્રધાન અને મોરબી વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ સૌરભ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા મોરબી વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ આઇ.કે.જાડેજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર બ્રિજેશ મેરજા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા- તાલુકા ભાજપા પ્રમુખ/ મહામંત્રી, લોકગાયક કિર્તીદાન ગઢવી, સહકારી ક્ષેત્રના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક ભાજપા અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો સહિત સ્થાનિક જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વચ્ચે જાહેર સભાને સંબોધતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં સંક્રમણ અટકાવવામાં અને નાગરિકોને ઉત્તમમાં ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળે તે માટે રાજ્યની ભાજપ સરકારે કેન્દ્રની ભાજપ સરકારના સહયોગથી દિન રાત કાર્યરત રહી સતત પ્રયત્નો કર્યા છે. જેના પરિણામે સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના મહામારીને રોકવામાં આપણે સફળ રહ્યા છીએ.

વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા વંશવાદને, પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું છે. માત્ર એક જ પરિવારની પૂજા અને એક જ પરિવારના સભ્યોનો કોંગ્રેસ પર કબ્જો રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં જ આંતરિક લોકશાહીનો અભાવ છે. શું આવો પક્ષ દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતને મજબૂતાઇ અને સન્માન આપી શકે ? જ્યારે બીજી બાજુ ભાજપે કાર્યકર્તાઓની પાર્ટી છે. ભાજપામાં જ નાનામાં નાનો કાર્યકર્તા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને દેશના વડાપ્રધાન સુધીના પદ સુધી પહોંચી શકે છે. ભાજપે એકમાત્ર રાજકીય સંગઠન છે. જે સંગઠનને સેવાનું માધ્યમ ગણીને સમાજસેવામાં કાર્યરત છે.

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આદરાંજલી આપતા જણાવ્યું હતુ કે ભારતના જુદા જુદા રજવાડાંઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝ, ડો.બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક વીરલાઓ અને સરદાર પટેલને ભૂલાવવાનું કાર્ય કોંગ્રેસે કર્યું છે. દેશને આઝાદી અપાવવામાં માત્રને માત્ર પંડિત જવાહરલાલ નહેરુને જ જશ આપીને કોંગ્રેસે શહીદ વીરોનું અપમાન કર્યું છે.

નર્મદાના નીરનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે નર્મદા યોજનાનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. પરંતુ બાદમાં કોંગ્રેસની સરકારોના ગુજરાત વિરોધી વલણ અને રાજ્યના કોંગ્રેસીઓની ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટેની ઉપેક્ષાના કારણે અનેક વિઘ્નો આવ્યા. ભાજપ સરકાર ગુજરાતમાં આવ્યા બાદ સ્વ. કેશુભાઈ પટેલે અને બાદમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભગીરથ પ્રયાસ અને મક્કમ નિર્ધારના કારણે નર્મદા યોજના સાકાર થઈ. દેશના વડાપ્રધાન મુખ્યપ્રધાન મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોનીથી સુદુર છેક કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે. સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

આગળ ખેડૂત પર વાત કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર એ ખેડૂતોની સરકાર છે, સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જગતના તાત એવા રાજ્યના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરા બંધ થશે, કડકડતી ઠંડી અને વરસાદમાં રાતે પડતી મુશ્કેલીઓનો અંત આવશે, ખેડૂત હવે દિવસે કામ અને રાત્રે આરામ કરશે. મોરબી વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા પટેલે આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.