///

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દલિત સમાજની માંગી માફી…

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્વ. કનોડીયાને ટાંકીને દલિત સમુદાય માટે જાતિ સૂચક શબ્દનો પ્રયોગ કર્યા બાદ વિરોધ થયો હતો. આ અંગે હવે નીતિન પટેલે ટ્વીટ કરીને માફી માંગી છે અને કહ્યુ છે કે, હું મારા શબ્દોને પરત ખેચુ છું. જોકે મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં વિવિધ દલિત સમાજ દ્વારા 24 કલાકમાં માફી માંગવા અંગે માંગ કરવામાં આવી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટ્વીટ કરી માફી માંગતા કહ્યું કે, મોરબીમાં એક જાહેરસભામાં પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલ અને ગુજરાતના દિગ્ગજ અભિનેતા સ્વ.મહેશ કનોડીયા તથા સ્વ. નરેશ કનોડિયાના ગાંધીનગરના નિવાસસ્થાને જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. હકીકતના વર્ણના વખતે મારા પ્રવચનમાં જે શબ્દ પ્રયોગ મે કર્યો હતો તે શબ્દના કારણે જે લાગણી દુભાઇ છે તેને ધ્યાનમાં રાખીને હું તે શબ્દો પાછા ખેચું છું. કોઇની લાગણી દુભાવવાનો મારો કોઇ ઇરાદો હતો નહી અને હોઇ શકે પણ નહી.

વધુમાં તેમણે કહ્યું કે,સ્વ. નરેશ કનોડીયાને મારા દ્વારા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને દરરોજ દિવસમાં બે વખત હું ફોન કરીને તેમની તબીયતના ખબર અંતર પૂછતો હતો અને તેમના દિકરા હિતુ કનોડીયા સાથે પણ હું સતત સંપર્કમાં હતો. જે અમારા વર્ષો જુના સબંધો અને અરસ-પરસનો સ્નેહ-પ્રેમ બતાવે છે. ત્રણેય સ્વ. નેતાઓને મારી હદય પૂર્વકની શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ.

Leave a Reply

Your email address will not be published.