આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા સહિત 9 ધારાસભ્યોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેવામાં એકવાર ફરીથી દિલ્હીની આપ સરકાર અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અટકાયતમાં લેવાયેલા આપના ધારાસભ્ય ગૃહ પ્રધાન અમિત શાહના ઘર બહાર ધરણા ધરવા જઈ રહ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહના ઘર બહાર ધરણા ધરવાની મંજૂરી આપી નહતી. તેવામાં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહપ્રધાનના ઘરની બહાર ધરણા ધરવા જવા લાગ્યા તો પોલીસે તેમની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું છે કે તેમના ધારાસભ્યોને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા રોકવામાં આવી રહ્યા છે. દિલ્હીના ગ્રેટર કૈલાશ વિધાનસભાના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વિટ કરીને દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો કે આપ ધારાસભ્ય ઋતુરાજની પણ ધરપકડ કરાઈ છે.
બાીજી બાજુ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજના આરોપોને ફગાવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ વિધાયક ઋતુરાજની ધરપકડ થઈ નથી. તેમને ફક્ત પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. પોલીસે વિધાયક ઋતુરાજને તેમની મૂવમેન્ટ અંગે પૂછપરછ કરી છે.