/

ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક વચ્ચે રિક્ષા આવી જતા બે લોકો જીવતા ભૂંજાયા

પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા કચડાઇ

Disa palanpur Highway Road Accident

ડીસા-પાલનપુર હાઇવે પર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે થયો હતો. જેમાં રીક્ષા બે ટ્રક વચ્ચે આવી જતા સવાર બે લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી.

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડીવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા પણ ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા કચડાઇ ગઇ હતી.

ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી, આમ ચાર વાહનોનો અકસ્માત થયો હતો. જોકે, બંને ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રિક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં બેઠેલા બે મુસાફરો જીવતા ભૂંજાયા હતાં.

આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જયારે ડીસા તાલુક મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અન્ય બે લોકોના ઘટના સ્થળે જ મોત થયું છે. પોલીસે આ બનાવને લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.