//

રાજકોટ હોસ્પિલમાં આગ મામલે SIT તપાસમાં ખુલાસો, ઇમરજન્સી એક્ઝિટ બંધ હતા

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં SITની તપાસમાં મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં આગ બેદરકારીને કારણે તેમજ ઇમરજન્સી દરવાજો બંધ હોવાને કારણે લાગી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ મામલે પાંચ ડોક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

SITની તપાસમાં હોસ્પિટલમાં આગ મામલે ખુલાસો થયો છે. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે હોસ્પિટલમાં ICU વોર્ડનું ઇમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલો હોવાનું જાણવા મળ્યુ છે. ICU વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયો હતો. સેનેટાઇઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતાં. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો નહતો, ફક્ત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયાથી જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલા હતાં ત્યાં કોઇ પણ જાતના ફાયર સાઇન બોર્ડ કે અન્ય કોઇ રીફ્લેક્ટર દ્વારા ઇમરજન્સી એક્ઝીટ દર્શાવેલ નહતું. આ ઉપરાંત આઇસીયુના દરવાજાની પહોળાઇ ત્રણ ફુટ ચાર ઇંચ જેટલી હતી. ICU પાસે રાખવામાં આવેલા ફાયર એસ્ટીગ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શક્યો નહતો.

આ ઉપરાંત ફરજ પરના મેડીકલ સ્ટાફ હોસ્પિટલ સંચાલક દ્વારા ફાયર ફાઇટિંગ કે ઇમરજન્સી રેસક્યુ અંગેની તાલીમ આપવામાં આવેલ નહતી, ઇવેક્યુએશન પ્લાન બનાવવામાં આવેલ નહતો, ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમની વ્યવસ્થા નહતી. NBC તથા NABH & FIRE SAFETYની ગાઇડ લાઇનનું પાલન થતુ ન હોય વગેરે પ્રકારની ગંભીર બેદરકારી તપાસ દરમિયાન હોસ્પિટલના સંચાલકોની જણાઇ આવતા અને તેવી ગંભીર બેદરકારીના કારણે પાંચ દર્દીના મોત નિપજ્યાં હતાં.

આ સમગ્ર મામલે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનું સંચાલન કરતા ડૉ. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા કે જેઓએ હોસ્પિટલની મંજુરી મહાનગરપાલિકા પાસેથી મેળવે છે તે તથા ડૉ. તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ, ડૉ. દિગ્વિજય સિંહ જાડેજા વિરૂદ્ધ ઇપીકો કલમ 304 (અ), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. રીપોર્ટ આવ્યા બાદ અટક કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.