///

સુરતના લઘુ ઉદ્યોગોને ડિફેન્સ સપ્લાય ચેઈનમાં આગળ લાવવા અંગે સંરક્ષણ મંત્રાલયના PRO સાથે ચર્ચા

ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડૉ. અજય કુમારને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની માહિતી આપવામાં આવી હતી. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની ત્રણેય પાંખ જેવી કે આર્મી, નેવી અને એરફોર્સ માટે ટેક્ષ્ટાઇલ સંબંધિત જે કઇપણ જરૂરિયાત ઉભી થતી હોય તેના ટેક્નિકલ સ્પેસિફીકેશની દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને સમજણ આપવા માટે ચેમ્બરે તેમણે રજૂઆત કરી છે.

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, અમદાવાદ ખાતેથી પબ્લીક રિલેશન ઓફિસર વીંગ કમાન્ડર પુનિત ચઢ્ઢા ગત રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથેની મહત્વની મિટીંગમાં દક્ષિણ ગુજરાતના લઘુ ઉદ્યોગોને ડિફેન્સ સપ્લાય ચેઇનમાં કેવી રીતે આગળ લાવી શકાય તે દિશામાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પાસે ડિફેન્સ મંત્રાલય શું અપેક્ષા રાખે છે તે વિશે પણ મહત્વની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પુનિત ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા ડિફેન્સ ક્ષેત્રે સંરક્ષણ સંબંધિત સ્ટાર્ટઅપ માટે ઘણી જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇનો અભ્યાસ કરીને ડિફેન્સ ક્ષેત્રની વિવિધ યોજનાઓમાં સ્ટાર્ટઅપને સામેલ થવા માટે ચેમ્બર થકી પ્રયાસ કરવામાં આવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ઉદ્યોગો કઇ રીતે સામેલ થઇ શકે તેની ગાઇડલાઇન ડિફેન્સ પ્રોકયુરમેન્ટ મેન્યુઅલમાં આપી છે.

તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવાથી તે અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે ચેમ્બરે તેમણે અનુરોધ કર્યો હતો. સાથે જ ચેમ્બરે તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ દ્વારા ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ, પેરાશુટ, અમ્બ્રેલા, ટેન્ટ અને સેફટી શુઝનું મેન્યુફેકચરીંગ કરવાની શકયતા રહેલી છે. આથી તેમણે સંરક્ષણ ક્ષેત્રે ટેક્ષ્ટાઇલ અને કેમિકલ ઉદ્યોગની જરૂરિયાત અંગે સંરક્ષણ મંત્રાલયની સાથે ચેમ્બરના સહયોગથી અવેરનેસ પ્રોગ્રામ કરી શકાય તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.