///

અંતે 4200 ગ્રેડ પેનો વિવાદ ઉકેલાયો, 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ

શિક્ષકોના ગ્રેડ પે બાબતે સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ શિક્ષણ વિભાગના 25-6-2019ના પત્રના કારણે બંધ થયેલા હોવાની રજૂઆતોને સંવેદનાપૂર્વક ધ્યાને લઇને મંગળવારે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે અને શિક્ષણ વિભાગના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ચર્ચા-વિચારણાઓ હાથ ધરી હતી.

મુખ્યપ્રધાાને ચર્ચા-પરામર્શના અનુસંધાને આપેલી સૂચનાઓ અનુસાર શિક્ષણ-વિભાગનો જૂનો 25-6-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેવુ પ્રધાનોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે 25-6-2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલો પત્ર 16-7-2019થી સ્થગિત કર્યો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ મુખ્યપ્રધાને આપી છે. પ્રધાનોએ વધુમાં જણાવ્યું કે, હવે તેના પરિણામે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ શિક્ષણ વિભાગને નાણા વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શમાં કરીને આ નિર્ણયના સત્વરે અમલ માટેની જરૂરી કાયદાકીય-વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપી છે. તેમ નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાને ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.