////

મહારાષ્ટ્રમાં BJPના 10થી વધુ ધારાસભ્ય પાર્ટીથી નારાજ

મહારાષ્ટ્રમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી નેતા ઉદ્ધવ સરકારમાં પ્રધાન જયંત પાટિલના દાવાથી રાજકારણ ગરમાયું છે. પાટીલનો દાવો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના 10થી વધુ ધારાસભ્યો પાર્ટીથી નારાજ છે. આ ધારાસભ્યો ભવિષ્યમાં NCPમાં સામેલ થઇ શકે છે.

હાલ મહારાષ્ટ્રમાં NCP શિવસેના સાથે મહાવિકાસ અઘાડી (MVA)નો હિસ્સો છે. જેમાં કોંગ્રેસ ત્રીજી સહયોગી પાર્ટી છે. રાજ્યમાં ભાજપ વિપક્ષી પાર્ટી છે.

જયંત પાટીલે જણાવ્યું કે, BJPના 10થી વધુ ધારાસભ્યો પાર્ટીથી અસંતુષ્ટ છે. તેઓ ખુદની પાર્ટીની વ્યવસ્થાથી નારાજ છે. તેમણે આ અંગે અમારી સાથે અનેક વખત વાત કરી છે. જેથી ભવિષ્યમાં તેમના વિશે નિર્ણય લેવામાં આવી શકે છે.”

રાજ્યના જળ સંશાધન પ્રધાન પાટીલે જનસુરાજ્ય પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને NCPમાં સામેલ કર્યા બાદ આ વાત જણાવી હતી. તાજેતરમાં BJPના દિગ્ગજ નેતા એકનાથ ખડસે અને જયસિંહ ગાયકવાડ કમળનો સાથ છોડીને NCPમાં સામેલ થઈ ગયા છે.

બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું કહેવું છે કે, NCPએ પશ્ચિમી મહારાષ્ટ્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જો કે પવારે કહ્યું કે, મહાવિકાસ અઘાડીમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો કોઈ વિપક્ષના ધારાસભ્ય રાજીનામું આપીને NCP, શિવસેના કે કોંગ્રેસમાં સામેલ થાય છે, તો અન્ય બે પાર્ટીઓ BJP વિરુદ્ધ તેમની ઉમેદવારીનું સમર્થન કરશે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે, સ્વાભાવિક છે કે, BJPમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર વિરુદ્ધ ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારશે. તેવામાં MVAની અન્ય બે પાર્ટીએ ચૂંટણીમાં જે-તે ઉમેદવારનું સમર્થન કરશે અને તેના માટે પ્રચાર કરશે. જેથી રાજીનામું આપનારા ધારાસભ્યને ફરીથી જીતવામાં કોઈ પરેશાની નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભમાં MVAના 169 ધારાસભ્ય છે. જેમાં શિવસેનાના 57, NCPના 53 અને કોંગ્રેસના 44 જ્યારે અન્ય પાર્ટીના 15 ધારાસભ્યો છે. જ્યારે વિપક્ષ NDA પાસે 114 ધારાસભ્યો છે. જેમાં સૌથી વધુ 105 ધારાસભ્યો BJPના જ છે.

Leave a Reply

Your email address will not be published.